ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત:સરપંચના ગુલાબી, સભ્યોના સફેદ રંગના 15 લાખથી વધુ બેલેટ પેપરથી થશે ચૂંટણી

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 878 મતદાન મથકો પૈકી 186 અતિ સંવેદનશીલ, 268 સંવેદનશીલ
  • ચૂંટણી કામગીરી માટે શનિ અને રવિવાર એમ બે દિવસ માટે ભરૂચ ડિવિઝનની 153 બસો ​​​​​​​ફાળવાઈ

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર રવિવારે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી તટસ્થ, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે સજ્જ બન્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણીને લઇ ચાલતા જાહેર પ્રચાર પડઘમ શુક્રવારે સાંજથી શાંત પડ્યા છે. હવે ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1176 સરપંચ અને 6987 સભ્ય ઉમેદવારો માટે યોજાનારી ચૂંટણીમાં તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી ફરજમાં 5328 કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવવાનો છે. જ્યારે 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા 153 બસોની શનિ અને રવિવાર માટે ફાળવણી કરાઈ છે. રવિવારે યોજાનારી ચૂંટણીમાં 7.24 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ થશે.

અંકલેશ્વર ડિવિઝનમાં આવતા અંકલેશ્વર, હાંસોટ, વાલિયા ઝગડિયા અને નેત્રંગ તાલુકાના 240 ગામમાં ચૂંટણી યોજાનાર હતી જે પૈકી 32 પંચાયત સમરસ બનતા કુલ 208 ગામ માં 441 બુથ પર 311 બિલ્ડીંગ માં મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જેમાં કુલ 2 ડી.વાય.એસ.પી. 7, પીઆઈ. 22. પી.એસ.આઈ. 531 પોલીસ જવાનો, 294 હોમગાર્ડ, 472 જી.આર.ડી.ના જવાનો ફરજ બજાવશે, જયારે 43 વાહનોથી પેટ્રોલિંગ કરવામાં આવશે.

રિસિવિંગ-ડિસ્પેચ સ્થળની વિગતો
તાલુકો ડિસ્પેચ- રીસીવીંગ સેન્ટર

જંબુસર શ્રી એચ.એસ.શાહ હાઇસ્કૂલ, જંબુસર
આમોદ શાહ એન. એન. એમ ચામડીયા હાઈસ્કુલ.
ભરૂચ કે.જે.પોલીટેકનીક કોલેજ, ભરૂચ
વાગરા પ્રાથમિક કુમાર શાળા, વાગરા
અંકલેશ્વર ઈ.એન.જીનવાલા હાઈસ્કુલ, અંકલેશ્વર
હાંસોટ એમ.એમ.માકુવાલા હાઈસ્કુલ, હાંસોટ
ઝઘડીયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ઝઘડીયા
વાલીયા શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર, વાલીયા
નેત્રંગ શ્રીમતિ એમ.એ.ભક્ત હાઈસ્કુલ, નેત્રંગ

ચૂંટણી ફરજમાં 5328 કર્મચારીઓનો સ્ટાફ
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે સમરસ ગ્રામ પંચાયતને બાદ કરતા 878 મતદાન મથકો ઉપર મતદાન થશે. જેમાં 957 પ્રિસાઇડીંગ , 957 આસી.પ્રિસાઇડીંગ , 1081 પોલીંગ ઓફીસર-1, 1370 પોલીંગ ઓફીસર -2 , 953 પટાવાળા સહિત કુલ 5318 કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે.

જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો સમરસ
ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ અને તેની સ્ક્રુટીની સહિતની તબક્કાવાર પ્રક્રિયા બાદ 483 પૈકી 62 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. 17 સરપંચ અંશતઃ બિનહરિફ, 738 સભ્યો અંશતઃ બિનહરિફ, તથા 01 બેઠક પર ફોર્મ નહીં ભરાવવાના કારણે ખાલી રહી છે.

અંકલેશ્વર ડિવિઝનમાં શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવા પોલીસ વિભાગ સજ્જ
અંકલેશ્વર | અંકલેશ્વર તાલુકામાં કુલ 35 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં 11 ગામ, તાલુકા પોલીસ મથકના 21 અને 2 જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના ગામોનો સમાવેશ થાય છે. 35 ગ્રામ પંચાયતની ચૂંટણી માં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા ના ભાગ રૂપે તેમજ સંવેદનશીલ બુથ 41 પર વિશેષ બંદોબસ્ત સાથે 3 પીઆઈ. 3 પી.એસ.આઈ, 100 પોલીસ જવાનો, 80 હોમગાર્ડ અને 92 જી.આર.ડી. તેમજ સ્ટ્રોંગ રૂપ પર એસ.આર. પી. જવાનો ફરજ બજાવશે, જયારે 14 વાહનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી નજર રાખવામાં આવશે.

આ અંગે માહિતી આપતા વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી નિર્વિવાદિત રીતે સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી તમામ ઉમેદવાર, ગામના આગેવાનો સાથે શાંતિ સમિતિ બેઠક યોજી જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...