વતનમાં દિવાળી ન થઇ:દારૂડિયા ડ્રાઈવર-કંડકટરે 140 પરપ્રાંતીયોની માદરે વતન દિવાળીની મનચ્છાનું સુરસુરીયું કર્યું, હોટલ પર પાર્ક કરીને પી ગયા

ભરૂચએક મહિનો પહેલા
  • નબીપુર હોટલ પર મુસાફરોને 24 કલાકથી રઝળતા મૂકી દેવાયા
  • સુરતથી રાજસ્થાન-ગોરખપુર જવા નીકળેલી સ્લીપર બસના મુસાફરો રઝળ્યા
  • રૂ. 4થી 4.50 લાખ ભાડું ખંખેરી લીધા બાદ હાથ અધ્ધ કર્યા કરાયા

સુરતથી સોમવારે સાંજે સ્લીપર લકઝરી બસમાં સવાર થઈ રાજસ્થાન, ગોરખપુર સહિત માદરે વતન જવા નીકળેલા 140 પરપ્રાંતિયોને ડ્રાઈવર-કંડક્ટરે રૂપિયા 4થી 4.50 લાખ જેટલું ભાડું વસૂલી લીધા બાદ નબીપુરની પ્રિન્સ હોટલ ઉપર રઝળતા મૂકી દેવાનો કિસ્સો બહાર આવ્યો છે.

નબીપુરની પ્રિન્સ હોટલ ઉપર રાતે 10 વાગે સુરતથી 140 મુસાફરોને વતન લઈ જવા ઉપડેલી બસ આવી પહોંચી હતી. રઘુનાથ ટ્રાવેલ્સ રાજસ્થાનની (RJ-06-PA-4111) સ્લીપર લકઝરી બસમાં મુસાફરોની ક્ષમતા કરતા બેગણા લોકોને ઘેટાં બકરાની જેમ ભરી વ્યક્તિ દીઠ 3500થી 3600 જેટલું ભાડું વસુલાયું હતું.

હોટલ ઉપર મુસાફરોએ નાસ્તા-પાણી કર્યા બાદ લકઝરી બસ ઉપર પહોંચતા ડ્રાઈવર-કંડકટર જ ગાયબ થઈ ગયા હતા. આખી રાતની શોધખોળ બાદ બાજુની હોટલમાંથી બન્ને જણા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

મુસાફરોને બસ બગડેલી હોય હવે આગળ નહિ જાય અને તમારે બીજી બસમાં જવું હોય તો મારી પાસે 40 હજાર પડેલા હોવાનું કહી લકઝરીના પીકે ડ્રાઈવર-ક્લીનરે પોતાનું પોત પ્રકાશયું હતું.

તોતિંગ બસ ભાડું લઈ રઝળતા મુકી દેવાયેલા 140 મુસાફરોમાં 9 મહિલા અને 12 બાળકો પણ હોય જેઓની હાલત કફોડી બની હતી. બીજી તરફ રઘુનાથ ટ્રાવેલ્સના માલિકે પણ રાતથી તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો.

અંતે મુસાફરો પીધેલા ડ્રાઈવર કંડકટરને લઈ નબીપુર પોલીસ મથકે પોહચતા ટ્રાવેલ્સના માલિકે સુરતથી બીજી બસમાં આ લોકોને વતન મોકલવા મંગળવારે બપોરે મોકલેલી બસ પણ સાંજ સુધી નહિ આવતા પૈસા વગર ભુખા-તરસા બનેલા મુસાફરોની સ્થિતિ અત્યંત લાચાર બની ગઈ હતી.

મહિલા-બાળકોની હાલત દયનિય થઇ
રોજગાર અર્થે અન્ય રાજ્યમાંથી આવેલાં શ્રમજીવીઓ સંતાનો સાથે પોતાના વતને જવા માટે નિકળ્યાં હતાં. જોકે, ડ્રાઇવર-ક્લિનર તેમજ રઘુનાથ ટ્રાવેલ્સના સંચાલકોની નિષ્કાળજીના કારણે લોકો અટવાયાં હતાં. જેમાં બાળકો અને મહિલાઓની હાલત દયનિય બની હતી.

આસપાસના ગામ લોકોને જાણ થતાં દોડી આવી સુવિધા કરી આપી
દિવાળીના તહેવારની સાથે હાલમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે સોમવારે રાત્રીના 10 વાગ્યે નબીપુર પાસેની પ્રિન્સ હોટલ ખાતે બસ ઉભી રાખી દેવાતાં 140 જેટલાં મુસાફરો અટવાયાં હતાં. કડકડતી ઠંડીમાં બાળકોની સુરક્ષાની ચિંતા પરિવારને સતાવી રહી હતી. જોકે, બાદમાં ઘટનાની જાણ થતાં આસપાસના ગામ લોકોએ દોડી આવી તેમના માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ કરી આપી હતી.

.

અન્ય સમાચારો પણ છે...