રૂબરૂ કાર્યક્રમ:નગરસેવકોએ મતદારોની ન રાખી દરકાર સમસ્યા સાંભળવાના બદલે રહ્યાં ગેરહાજર

ભરૂચ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના વોર્ડ નંબર 5, 6 અને 7ના નાગરિકોમાં ઉકળતો ચરૂ, તૂટેલી કચરાપેટીઓ, ઓછા દબાણથી મળતું પાણી, કિચડનું સામ્રાજય સહિતની રજૂઆતો હતી

લોકોની સમસ્યાઓને જન પ્રતિનિધિઓ સુધી પહોંચાડવા માટે દિવ્યભાસ્કર દરેક વોર્ડમાં રૂબરૂ કાર્યક્રમ યોજી રહયું છે. રવિવારના રોજ નગરપાલિકાના વોર્ડ નંબર 5,6 અને 7 માટેનો રૂબરૂ કાર્યક્રમ દિવ્યજીવન સંઘ હોલમાં યોજવામાં આવ્યો હતો.

નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નીનાબેન યાદવ, પવડી કમિટીના ચેરમેન હેમુબેન પટેલ, પુર્વ પ્રમુખ સુરભિબેન તમાકુવાલા સહિતના અગ્રણી નગરસેવકોના વોર્ડમાં યોજાયેલાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમના પ્રશ્નોની રજુઆત કરવા માટે આવ્યાં હતાં પણ એક પણ નગરસેવક તેમના જવાબો આપવા માટે ઉપસ્થિત ન હતો.

દિવ્યભાસ્કરની ટીમે એક પ્રહરીની ભુમિકા ભજવી હતી અને લોકોની સમસ્યાઓ સાંભળી તેને નગરસેવકો સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. જેના થકી ચુંટાઇ આવ્યાં છે તેવા મતદારોની સમસ્યા સાંભળવા નગરસેવકો જ હાજર નહિ રહેતાં વોર્ડ નંબર 5,6 અને 7ના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

5,6 અને 7ના વોર્ડની મુખ્ય સમસ્યાઓ

 • આ વોર્ડમાં મુકવામાં આવેલી કચરાપેટીઓ તુટેલી હાલતમાં છે
 • રમતગમતના મેદાન સહિતની મનોરંજનની સુવિધાઓ જ નથી
 • લોકોના ઘરોમાં પુરતા દબાણથી પાણી મળતુ નથી
 • ખુલ્લી જગ્યાઓને ડમ્પીંગ સાઇટ બનાવી કચરો નંખાય રહયો છે
 • પાલિકામાં સમાવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જ સુવિધાઓનો અભાવ
 • મકતમપુર સિધ્ધિવિનાયક મંદિરની આસપાસ જ ગંદકીની ભરમાર

આ વિસ્તારના ગેરહાજર નગરસેવકો

 • અમિત ચાવડા ( પાલિકા પ્રમુખ)
 • અર્પણ જોષી
 • હેમુબેન પટેલ
 • નીનાબેન યાદવ
 • સુરભિ તમાકુવાલા
 • વિશાલ વસાવા
 • અક્ષય પટેલ
 • મોના શિંદે
 • રાકેશ કહાર
 • ચેતન રાણા
 • વિભુતીબેન યાદવ
 • દક્ષાબેન વસાવા

સમસ્યાઓનું નિરાકરણ જ નથી
દર વખતે ચૂંટણી વેળાં અમે ખોબા ભરીને મત આપીએ છીએ. જોકે, ચૂંટણી બાદ અમારી તકલીફ કોઇ સાંભળતું નથી. અમારા રચના નગરમાં રસ્તા, ખાડા સફાઇ સહિતની સમસ્યાઓનું નિરાકણ આવતું નથી. અમારા વિસ્તારમાં બગીચાઓની કે બાળકો માટે પ્લેગ્રાઉન્ડની સુવિધા જ નથી. જે પાલિકા બનાવવું જોઇએ. > સુનિલ નેવે

નગરપાલિકા પાસે હવે કોઇ આશા નથી
અમે પાલિકા પાસે નવા ડેવલોપમેન્ટની આશા રાખવાનું બંધ કરી દીધું છે. પરંતુ પાણી, રસ્તા, સફાઇ તેમજ લાઇટની જે મુળભુત સુવિધાઓ છે તેનું આયોજન થતું નથી. આજે અમે અમારા કોર્પોરેટરોને અમારી રજૂઆતો કરવા આવ્યાં હતાં. પણ તેઓ હાજર જ ન હોઇ જાણે ભીત પર પડઘા પડતાં હોય તેમ લાગી રહ્યું છે. 20 વર્ષમાં એક પણ વર્ષ એવું નહીં હોય કે મે કોઇ રજૂઆત ન કરી હોય પણ એકનો પણ નિકાલ થયો નથી.> રમેશ વ્યાસ, વોર્ડ નંબર 5

કોર્પોરેટરો પાસે મતદારો માટે સમય નથી
દિવ્યભાસ્કરે સામાન્ય જનતા અને કોર્પોરેટર વચ્ચે એક સેતુ બનવાનું ઉમદા કાર્ય કર્યું છે. જોકે, કોર્પોરેટરની ગેરહાજરીમાં તેમની ખાલી ખુરશીઓ જોઇને અમને શરમ આવી રહી છે. કોર્પોરેટરો ચૂંટણી બાદ ક્યારેય અમારા દરવાજે આવ્યા નથી. પાણી વેરો ભરીએ છીએ પણ ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ત્રણ દિવસે માંડ પાણીની ટાંકી ભરાય છે. > કલ્પનાબેન વ્યાસ, વોર્ડ નંબર 5

વિકાસના કામોમાં લાલિયાવાડી
વોર્ડની સમસ્યા અંગે જે કોર્પોરેટરોને અમારે રજૂઆત કરવાની હતી તેઓ આવ્યાં જ નથી તે દુ:ખની વાત છે. ધોળીકૂઇમાં રસ્તો બનાવ્યા બાદ પાઇપલાઇન નાંખવા માટે તોડી નાંખ્યો છે. કોન્ટ્રાક્ટ લેવાવાળા પણ મોટાભાગના સત્તાપક્ષના જ સભ્યો તેમજ તેમના મળતિયાઓ છે. છતાં કામગીરી સારી થઇ નથી. > દિનેશ અડવાણી , વોર્ડ નંબર 7

દુબઇ ટેકરી વિસ્તારમાં ઓરમાયુ વર્તન
અમારા વિસ્તારમાં ગત ચોમાસામાં પાલિકા દ્વારા જે રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યાં હતાં. તે હજી સુધી પરત બન્યા નથી. અમારા વિસ્તાર સાથે સતત પાલિકા સત્તાધિશો દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. અમારા વિસ્તારના 15થી 20 ઘરમાં પાણી નથી આવતું પાલિકામાં તે બાબતે અમે અનેક રજૂઆતો કરી છે. > મહંત રણછોડદાસ : વોર્ડ નંબર 6

સિદ્ધિવિનાયક મંદિર પાસે જ ગંદકીની ભરમાર
મક્તમપુર ગામ પહેલાં ગ્રામ પંચાયત હતી જેને પાલિકામાં મર્જ કરી છે. સામાન્યત: પાલિકામાં જોડાયાં બાદ વિસ્તારનો વિકાસ થતો હોય છે. જોકે, અમારે તો જાણે દુ:ખના દિવસ શરૂ થયાં હોય તેમ લાગી રહ્યું છે. ગામમાં આવેલું આસ્થાના કેન્દ્ર સમાન સિદ્ધી વિનાયક મંદિરે દર મંગળવારે ખુલ્લા પગે 400થી 500 મહિલાઓ દર્શનાર્થે આવે છે. જોકે, તેમને ગંદકીમાંથી પસાર થવાનો વારો આવે છે. > વાહિદ મશહદ્દી, વોર્ડ નંબર 6

આખા વોર્ડને ડમ્પીંગ સાઇટ બનાવી દીધો
પાલિકા દ્વારા રસ્તો બનાવી દેવાયાં બાદ પાણીની કે અન્ય કોઇ પાઇપલાઇન નાંખવા માટે રસ્તો ખોદી નાંખવામાં આવે છે. જેનો ખર્ચ આપડાં ટેક્ષના રુપિયાથી જ અપાય છે. આદિવાસી વિસ્તારને પણ અન્યાય થાય છે. દુબઇ ટેકરીમાં પાલિકાના સફાઇનો કોન્ટ્રાક્ટ ચલાવનારે ડમ્પિંગ સાઇટ ઉભી કરી દેતા રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. > અભિલેશસિંહ ગોહિલ, વોર્ડ 6

પ્રિતમ-2ના 70 મકાનોમાં પાણી નથી આવતું
અમારી પ્રિતમ 2 સોસાયટીમાં 70 મકાનો છે. જેમાં પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. પાલિકા દ્વારા તે પ્રત્યે ધ્યાન આપે તે ખુબ જ જરૂરી બન્યું છે. અમારા વિસ્તારમાં અત્યંત ઓછા પ્રેશરથી દદુડી પડવા જેવું પાણી આવેછે. પાલીકા તંત્ર વહેલીતકે હરકતમાં આવી અમારા વિસ્તારમાં પુરતાં પ્રમાણમાં પાણી મળે તેવું આયોજન કરે તેવી અમારી માગ છે. > ઘનશ્યામ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...