ભાજપ– કોંગ્રેસમાં ધમાસાણ:સાયખા સેગ્રિગેશન પ્લાન્ટની કામગીરી ખોરંભે ચઢતાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાશે

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ પાલિકાને એક માસની મહેતલ મળી હોવાથી કચરાનો નિકાલ થઇ રહ્યો છે. - Divya Bhaskar
ભરૂચ પાલિકાને એક માસની મહેતલ મળી હોવાથી કચરાનો નિકાલ થઇ રહ્યો છે.
  • ભરૂચ પાલિકાએ 2018માં માતૃ એનર્જીને વર્ક ઓર્ડર આપ્યો હતો

ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાના ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેના સાયખા પ્લાન્ટનું સંચાલન કરતી કંપનીને બ્લેકલીસ્ટ કરવા માટે પાલિકાએ તજવીજ હાથ ધરી છે. જો આ પ્લાન્ટ વહેલી તકે કાર્યરત નહી થાય તો આગામી દિવસોમાં ફરીથી ભરૂચમાં કચરાના ઢગલાઓ જોવા મળે તેવી સંભાવના છે.

ભરૂચ શહેરમાં થામ ગામ પાસેની ડમ્પીંગ સાઇટ સામે સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકાને એક મહિનાની મહેતલ આપવામાં આવી છે પણ તે પહેલાં સાયખાનો પ્લાન્ટ ચાલુ થવો જરૂરી બન્યો છે. ભરૂચ શહેરમાંથી દૈનિક 120 ટન જેટલો કચરો નીકળે છે તેનો માંડવા બુઝર્ગ ગામની સાઇટમાં નિકાલ કરવામાં આવતો હતો. પણ માંડવા બુઝર્ગની ડમ્પીંગ સાઇટ સામે એનજીટીમાં કેસ થતાં સાઇટ બંધ કરાવી દેવામાં આવી છે.

બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે વાગરા નજીક આવેલાં સાયખામાં પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો. વર્ષ 2018માં માતૃ એનર્જી નામની સંસ્થાએ દોઢ થી બે કરોડ રૂપિયાનો ખર્ચ કરી પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની તજવીજ હાથ ધરી હતી પણ કોઇ કારણોસર પ્લાન્ટ કાર્યાન્વિત થઇ શકયો નથી.

ભરૂચ પાલિકા પાસે ડમ્પીંગ સાઇટની સુવિધા નહી હોવાથી હાલ થામ ગામ પાસે ખેતર ભાડે રાખી તેમાં કચરાનો નિકાલ કરવામાં આવી રહયો છે. થામના સ્થાનિક રહીશોએ આ ડમ્પીંગ સાઇટ સામે વિરોધ નોંધાવી કચરાનો નિકાલ બંધ કરવા જણાવ્યું હતું. આગેવાનોની મધ્યસ્થી બાદ એક મહિનાની મુદ્દત આપવામાં આવી છે.

બીજી તરફ સાયખાની ડમ્પીંગ સાઇટ બાબતે ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ વિપક્ષના સભ્યોએ કર્યો છે. ભરૂચનગરપાલિકાએ ધીમી કામગીરી બદલ માતૃ એનર્જીને નોટીસ આપી છે તથા કાયદાકીય કાર્યવાહી માટે પણ તજવીજ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ કંપનીને બ્લેકલીસ્ટ પણ કરવામાં આવશે.

જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોર્ટ કાર્યવાહી પણ કરાશે
સાયખાની સાઇટ બાબતે કંપનીને નોટીસ આપી છે અને કોર્ટ કાર્યવાહી પણ કરાશે. શહેરના કચરાના નિકાલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ટુંક સમયમાં કચરાના નિકાલની ઉભી થયેલી સમસ્યાનો હલ આવશે. - અમિત ચાવડા, પ્રમુખ, નગરપાલિકા

સાયખામાં સ્થાનિકોનો વિરોધ
ભરૂચ નગરપાલિકા ડમ્પીંગ સાઇટ માટે અનેક જગ્યાઓ જોઇ ચુકી છે પણ ડમ્પીંગ સાઇટ આવવાની છે તેવી હિલચાલ શરૂ થતાંની સાથે લોકો વિરોધ કરવા લાગે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી જગ્યાની શોધખોળ બાદ આખરે સાયખામાં જગ્યા મળી હતી પણ ત્યાં પણ સ્થાનિકોએ વિરોધ કરતાં કામગીરી અટકી હોવાનું જાણવા મળી રહયું છે. નગર પાલિકા વર્ષોથી કાયમી ડમ્પીંગ સાઇટ માટે જગ્યા શોધી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...