કસ વિનાનો વિકાસ:કોન્ટ્રાક્ટરે રેતી ચોંટે એટલો જ સિમેન્ટ વાપર્યો, એક મહિના પહેલાં બનેલી દીવાલના ખસ્તા હાલ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના સુથિયાપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે વરસાદી કાંસ હલકી ગુણવત્તાનો બનાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. - Divya Bhaskar
ભરૂચના સુથિયાપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે વરસાદી કાંસ હલકી ગુણવત્તાનો બનાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
  • ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીની પોલ ખુલી
  • અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે કાંસ બનાવવામાં આવી હતી

ભરૂચના સુથિયાપુરા વિસ્તારમાં અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચથી એક મહિના પહેલાં બનાવવામાં આવેલી કાંસની કામગીરી તકલાદી નીકળતાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે.ભરૂચ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ઠેર ઠેર પાકી કાંસ બનાવવાની કામગીરી પાલિકાએ કોન્ટ્રાકટરો પાસે કરાવી હતી.

કોન્ટ્રાકટરોએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની સાબિતિ આપતો કિસ્સો સુથિયાપુરામાં બન્યો છે. શહેરના વોર્ડ નંબર 7માં આવેલાં સુથિયાપુરામાં વરસાદી પાણીના નિકાલ માટે પાકી કાંસ બનાવવાની કામગીરી સુરતના કોન્ટ્રાકટરે કરી હતી. હલકી ગુણવત્તાનું તથા નિયમાનુસારનું મટીરીયલ નહિ વાપરવામાં આવતાં કાંસ એકદમ તકલાદી બન્યો હતો.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક લાત મારતાની સાથે કાંસના પોપડા ખરી ઉઠયાં છે. ઘટના બાદ શહેરમાં ચાલતા વિકાસકામોની કામગીરી સામે પણ સવાલો ઉભાં થયાં છે.

લોકોએ ભરેલા કરવેરાની રકમમાંથી વિકાસકામો કરવામાં આવે છે અને કોન્ટ્રાકટરો હલકી કક્ષાનું બાંધકામ કરી ભ્રષ્ટાચાર આચરી રહયાં હોવાની બુમો ઉઠી રહી છે. શહેરમાં થતાં વિકાસકામોનું સ્થળ નિરિક્ષણ કરી શાસક (ભાજપ)ના નેતાઓ અને કાર્યકરો મુલાકાત લઇ તેના ફોટા સોશિયલ મીડીયામાં મુકતાં હોય છે ત્યારે પણ કોન્ટ્રાકટરોની આવી હલકી ગુણવત્તાનું બાંધકામ કરવાની હિમંત કયાંથી આવતી હશે તેવા પણ ચર્ચા ચાલી રહી છે.

હાલ તો સુથિયાપુરામાં કાંસની કામગીરી કરનારા કોન્ટ્રાકટરને બિલ નહિ ચુકવવાની માંગણી વિપક્ષના સભ્યોએ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુથિયાપુરા વિસ્તારમાં રસ્તા તથા ગટર બનાવવા માટે સુરતના નિકુંજ લાઠીયા નામના કોન્ટ્રાકટરને કામગીરી આપવામાં આવી હોવાનુ નગર પાલિકા વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

કોન્ટ્રાક્ટર અને પીએમસીને પણ પૈસા ચૂકવાશે નહીં
સુથિયાપુરા વિસ્તારમાં બનેલી કાંસની કામગીરી તકલાદી હોવાની જાણ થઇ છે. હાલ આ બાબતે પીએમસીનો કોઇ રીપોર્ટ આવ્યો નથી પણ જયાં સુધી ગુણવત્તાસભર કામગીરી નહિ કરી આપે ત્યાં સુધી કોન્ટ્રાકટર કે પીએમસીને પૈસાની ચુકવણી કરવામાં આવશે નહિ. જો કામગીરી નહિ કરી આપે તો બંને એજન્સીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. - અમિત ચાવડા, પ્રમુખ, નગરપાલિકા, ભરૂચ

અમારા ગયાં પછી મટિરિયલમાં ભેળસેળ થઇ લાગે છે
મારા વોર્ડમાં કાંસ તથા રસ્તાની કામગીરી માટેની કામગીરી ચાલી રહી છે. જે કાંસનું તકલાદી બાંધકામ થયું છે તે કામગીરી સુરતના કોન્ટ્રાકટરે કરી છે. આ કામગીરીનું અમે જાતે નિરિક્ષણ કર્યું હતું પણ અમારી સામે ગુણવત્તાસભર મટીરીયલ તૈયાર કરવામાં આવતું હતું પણ અમારા ગયાં પછી હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને કાંસ બનાવી દેવામાં આવી હોય તેમ લાગી રહયું છે. કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા માટે પાલિકામાં જાણ કરવામાં આવશે. - સુરભિ તમાકુવાલા, નગર સેવક, વોર્ડ નંબર -7

નગરપાલિકામાં ખુદ વાડ જ ચીંભડા ગળે તેવી સ્થિતિ
વિકાસકામોની દેખરેખ રાખતી પીએમસી જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો સાથે ભળી ગઇ હોય તેમ લાગી રહયું છે. કોન્ટ્રાકટરોને સત્તાધીશો છાવરી રહયાં છે. સુથિયાપુરામાં એક મહિના પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી કાંસની તકલાદી કામગીરી કરવામાં આવી છે. કોન્ટ્રાકટરે બાંધકામમાં રેતી વધારે અને નજીવી સિમેન્ટનો ઉપયોગ કર્યો છે. દોઢ ફુટની દીવાલ એક જ ધકકામાં તુટી જાય તે પાલિકા સત્તાધીશો માટે શરમજનક બાબત કહેવાય. - શમશાદઅલી સૈયદ, વિપક્ષના નેતા, નગરપાલિકા

પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સની કામગીરી શંકાના દાયરામાં આવી
ભરૂચ પાલિકા દ્વારા કરવામાં આવતાં વિકાસ કામોની દેખરેખ માટે PMCની નિમણુંક કરવામાં આવી છે. માતબર રકમના વિકાસકામોમાં PMCએ કામગીરીનું નિરિક્ષણ કરવાનું હોય છે અને કામગીરી પુર્ણ થયા બાદ તે શરતો મુજબ બન્યું છે કે નથી તેનો રીપોર્ટ તૈયાર કરી પાલિકામાં આપવાનો હોય છે જયારે નાની રકમના કામોમાં સ્થળ નિરિક્ષણ કરી રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. સુથિયાપુરામાં કાંસની તકલાદી કામગીરી સામે આવ્યાં બાદ PMC પણ શંકાના દાયરામાં આવી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...