વિપક્ષના સવાલો:પાલિકાના વાહનોમાં કચરા વહનને બદલે કોન્ટ્રાકટ અપાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કચરાના કલેકશન સેન્ટર ખાતે કચરાના ઢગલા ખડકાય ગયાં છે. - Divya Bhaskar
કચરાના કલેકશન સેન્ટર ખાતે કચરાના ઢગલા ખડકાય ગયાં છે.
  • ભરૂચ પાલિકાની કામગીરી સામે વિપક્ષના સવાલો

ભરૂચ નગરપાલિકામાં કચરાના નિકાલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ થઇ ગયો છે. સ્થાનિકો વિરોધ કરતાં હોવાના કારણોસર પાલિકાએ સીધા વાહનો ડમ્પીંગ સાઇટમાં લઇ જવાને બદલે ડમ્પિંગ સાઇટથી દોઢ કિમી દુર કલેકશન સેન્ટર બનાવીને કલેકશન સેન્ટરથી ડમ્પિંગ સાઇટ સુધી કચરો લઇ જવા માટે કોન્ટ્રાકટરને કામગીરી સોપી હોવાનો આક્ષેપ વિપક્ષના સભ્યોએ કર્યો છે. શહેરમાંથી રોજ 120 ટન કચરાનો નિકાલ ડમ્પીંગ સાઇટમાં કરાય છે.

ભરૂચ નગરપાલિકાની કચરાના નિકાલની કામગીરી વિવાદોનો ઘેરામાં સપડાય છે. કચરાનો ડમ્પિંગ સાઇટમાં સીધો નિકાલ કરવાના બદલે વચ્ચે કલેકશન સેન્ટર બનાવી કોન્ટ્રાકટરને સીધો ફાયદો કરાવ્યો હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા છે. ભરૂચ પાલિકાની માંડવા બુઝર્ગ ગામમાં આવેલી સાઇટ એનજીટીએ બંધ કરાવી દીધી છે. છેલ્લા એક વર્ષથી ભરૂચ તાલુકાના થામ ગામ પાસે ભાડે લીધેલી જગ્યામાં કચરો ડમ્પ કરાય રહયો છે. ડમ્પિંગ સાઇટમાં કચરો સીધો નાખવાના બદલે પાલિકાએ વચ્ચે એક કલેકશન સેન્ટર ઉભું કર્યું છે.

પાલિકા તથા ડોર ટુ ડોર ગાર્બેજના વાહનો ત્યાં કચરો નાંખે છે અને બાદમાં ખાનગી કોન્ટ્રાકટર ત્યાંથી કચરો ઉપાડીને દોઢ કીમી દુર ડમ્પીંગ સાઇટ સુધી પહોંચાડે છે. વિપક્ષના નેતા શમશાદ સૈયદે જણાવ્યું હતું કે, જે કામ નગરપાલિકા કરી શકે છે તે કામ માટે ખાનગી કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી કેમ કરાવવામાં આવી રહયું છે.

કચરાના નિકાલમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરમાંથી રોજના 100 ટન કરતાં વધારે કચરાનો નિકાલ કરવામાં આવે છે. સાયખા ખાતે કચરાના નિકાલ માટેનો પ્લાન્ટ બંધ થઇ જતાં ભરૂચ પાલિકા ભાડાની જગ્યા લઇ તેમાં કચરો નાંખી રહી છે.

પાલિકાના વાહનોનો લોકો વિરોધ કરે છે
કચરો ભરીને ડમ્પીંગ સાઇટ સુધી જવા માટે થામ ગામમાંથી પસાર થવું પડે છે રોજના 60 થી 70 વાહનોની અવરજવર સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે જેથી વાર્ષિક કોન્ટ્રાકટ આપી રોજના 6 થી 7 વાહનો મારફતે કલેકશન સેન્ટરથી ડમ્પીંગ સાઇટ સુધી કચરાનો નિકાલ કરાવીએ છીએ. > ચિરાગ ભટ્ટ, ચેરમેન, સેનેટરી વિભાગ

અન્ય સમાચારો પણ છે...