ભરૂચ શહેર તથા જિલ્લામાં વિધાનસભાની ચુંટણીનો માહોલ જામ્યો છે અને પાંચ વિધાનસભા બેઠકો માટે 32 ઉમેદવારો મેદાને જંગમાં રહી ગયાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો મિજાજ કેવો છે તે જાણવા માટે અમે ગામડાઓમાં ભ્રમણ કર્યું હતું. ભરૂચ શહેરથી માંડ 10 કીમીના અંતરે આવેલાં ગામડાઓનો વાગરા વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ કરી દેવાયો છે જયારે આ ગામડાઓનો મોટા ભાગનો વ્યવહાર ભરૂચ સાથે થાય છે. રોજીંદા કામ માટે તેઓ વાગરાના બદલે ભરૂચ જ આવતાં હોય છે.
વાગરાની સાથે સાથે ભરૂચ વિધાનસભા બેઠકનું સીમાંકન પણ 2012ની ચુંટણી પહેલાં બદલી નાખવામાં આવ્યું હતું. વાગરા બેઠકમાં ભરૂચ તાલુકાના નવા ૪૪ ગામનો ઉમેરો કરવામાં આવ્યો હતો જયારે જંબુસર બેઠકમાં આમોદ શહેર અને તાલુકાનો સમાવેશ કરી દેવાયો હતો. અંકલેશ્વર તાલુકાના 17 ગામોને ભરૂચ વિધાનસભામાં સમાવી લેવામાં આવ્યાં હતાં. સીમાકંને ગામડાઓના મતદારોને મુખ્યધરાથી અલગ કરી દીધાં છે. ભરૂચ બેઠકમાં અંકલેશ્વર તાલુકાના જે ગામડાઓનો સમાવેશ કરાયો છે તેમનો વ્યવહાર અંકલેશ્વર સાથે વધારે રહેતો હોય છે. રાજકીય કે સરકારી કામ માટે તેઓ અંકલેશ્વર જવાનું પસંદ કરતાં હોય છે.ભરૂચ જિલ્લામાં બદલાયેલા સીમાંકનના કારણે ભરૂચથી થોડા અંતરે જતાં આખો વિધાનસભા મત વિસ્તાર બદલાય રહ્યો છે.
રહાડપોર - ગામમાં હજી ચૂંટણીનો માહોલ બરાબરનો જામી રહ્યો નથી
ભરૂચ વિધાનસભા બેઠકમાં આવતાં રહાડપોરમાં સામાન્ય જનજીવન છે. રોડની સાઇડ પર રમકડા વેચતા આનંદલાલે જણાવ્યું કે તેઓ હરિયાણાના છે પણ પાંચ વર્ષથી અહીં સ્થાયી થયાં છે. તેમના ગામમાં હજી ચુંટણીનો માહોલ જામ્યો નથી. ગુજરાતમાં તેમના સંબંધી રહેતાં હતાં તેથી તેમણે પણ અહીં આવી ધંધો શરૂ કર્યો છે.
પગુથણઃ 1700 જેટલા મતદારો અને તેમાંથી 25 ટકા વિદેશમાં સ્થાયી થયાં
વાગરા બેઠકમાં આવતાં પગુથણ ગામના બસ સ્ટેન્ડ પર કેટલાક લોકો બેઠેલાં હતાં. તેમણે જણાવ્યું કે, ગામમાં ચુંટણીનો માહોલ દેખાય રહયો છે. ગઇકાલે જ ગામમાં ભાજપની મિટીંગ થઇ હતી. જયારે કેટલાક લોકોએ કહયું કે અમને ચુંટણીથી જ દુર રાખો. ચુંટણીના કારણે ખોટી દુશ્મનાવટ ઉભી થાય છે. ગામમાં 1700 જેટલા મતદારો છે અને તેમાંથી 25 ટકા વિદેશમાં રહે છે. ગામના વિકાસ વિશે વાત કરતાં મુસ્તાકભાઇએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં વિકાસના કામો થયાં છે.
કુવાદર - પાંચ વર્ષમાં માત્ર બે નાળા જ બનાવવામાં આવ્યાં
કુવાદર ગામમાં જવાના રસ્તા પર લોકો બેઠેલા જોવા મળ્યાં હતાં. ગામમાં પાટીદાર અને વસાવા સમાજના લોકોની મહત્તમ વસ્તી છે. કૌશિક પટેલે જણાવ્યું કે, દરેક ઉમેદવાર માટે અમારે વેલકમ છે. હાલ તો કોઇ માહોલ દેખાતો નથી. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે નાળા જ બનાવવામાં આવ્યાં છે. મોટાભાગના લોકો ખેતી કરે છે. સ્થાનિકોને કંપનીઓમાં નોકરી મળી છે તે નોકરીએ જાય છે બાકીના ખેતીકામ કરે છે. અમારા ગામમાં જવા માટેનો પાકો રસ્તો છે પણ બીજી કોઇ સુવિધાઓ હજી અમને મળી નથી.
હીંગલ્લા - કોતરની નજીક સરકારી આવાસો બનાવીને અમને આપી દીધાં
હીંગલ્લા ગામના કેટલાક લોકોએ કહયું કે, વિકાસ થયો છે અને અમારા કામ થાય છે જયારે સુફવાન નામના યુવા મતદારે કહયું કે, કોતરની નજીક સરકારી આવાસો બનાવી દીધાં છે. કોતર છલકાય એટલે અમારા ઘરોમાં પાણી ભરાય જાય અમારે નબીપુર ભાડાના ઘરમાં રહેવા જતું રહેવું પડે છે. મને નોકરી મળતી નથી એટલે છુટક કામ કરવું પડે છે. ગામમાં હજી કોઇ માહોલ જામ્યો નથી.
કોઠી ઃ કોઇ સસ્તુ આપતું નથી, બધા જ મોંધુ આપે છે, મોંઘવારી બહુ વધી છે
મોંઘવારી તો છે જ ને. કોઇ સસ્તુ આપતું નથી, બધા મોંઘુ આપે છે તેમ કોઠી ગામના શાંતિબેને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહયું કે, દરેક ચુંટણીમાં મત આપવા જઇએ છે. ખેતીવાડી નથી એટલે છુટક મજુરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. કોઇ રાજકીય પાર્ટીવાળા કશુ આપતા નથી. ચુંટણીના દિવસે સવારે બધા આવે અને અમને મત આપવા માટે લઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.