રહીશોની માગણી:ભરૂચના રતન તળાવના બ્યુટીફીકેશન માટે કેન્દ્રએ 10 કરોડ રૂપિયા ફાળવ્યાં

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના નેજા હેઠળ સમિતિ બનાવી ફંડ વપરાય તેવી સ્થાનિક રહીશોની માગણી

ભરૂચના રતનતળાવની સુંદરતામાં વધારો કરવા માટે સરકારે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા 13 વર્ષથી રતન તળાવ માટે લડત ચલાવી રહેલાં સ્થાનિક આગેવાનોએ આ રકમને કલેકટર હસ્તક વાપરવામાં આવે તેવી રજુઆત કરી છે.ભરૂચ શહેરની જિલ્લા પંચાયત કચેરીની પાછળના ભાગે આવેલાં રતન તળાવમાં મીઠા પાણીમાં વસવાટ કરતાં અલભ્ય કાચબાઓ જોવા મળે છે. એક સમયે શહેરની શાન ગણાતું રતન તળાવ આજે ગંદુ ગોબરૂ બની ચુકયું છે. રતન તળાવના બ્યુટીફીકેશન માટે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી પ્રયાસો ચાલી રહયાં છે.

તળાવના કાચબાઓને બચાવવા માટે ઓકિસજન મશીન પણ મુકવામાં આવ્યાં હતાં પણ તે પણ કાર્યરત નથી. અત્યાર સુધીમાં રતન તળાવ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે પણ માત્ર પ્રોટેકશન વોલ બનવા સિવાય કોઇ કામગીરી થઇ શકી નથી.

તાજેતરમાં કેન્દ્ર સરકારે અમૃત --2 અને અમૃત સરોવર યોજના હેઠળ રતન તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશન માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રતન તળાવનું બ્યુટીફીકેશન કરી ભરૂચની આગવી ઓળખને પાછી મેળવાશે. તો બીજી તરફ રતન તળાવ માટે 13 વર્ષથી લડત ચલાવી રહેલાં સુરેશ વસાવાએ જણાવ્યું હતું કે, રતન તળાવના વિકાસ માટે 10 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યાં છે તે બાબતે કલેકટરને રજુઆત કરી છે. સરકારે ફાળવેલા ફંડને કલેકટરની અધ્યક્ષતામાં બનેલી સમિતિના નેજા હેઠળ વાપરવામાં આવે તેવી માગ કરી છે. કારણ કે રતન તળાવના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર જ થયો છે.

અન્ય સમાચારો પણ છે...