તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય મોત:પત્નીની હત્યામાં શકમંદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે પત્નીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

ભરૂચ શહેરના મહાવીર નગર ઝૂપડપટ્ટી ખાતે પત્નીની હત્યાની ઘટનાએ ચોંકાવનારો વળાંક લીધો છે. પત્નીની હત્યાના બીજા દિવસે વિસ્તારમાં નજીકમાં આવેલાં તળાવમાંથી પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ પતિએ તળાવમાં આપઘાત કર્યો હતો કે પછી ભાગવાની ફિરાકમાં તે લપસી જતાં તળાવમાં ગરકાવ થઇ ગયો તે અંગેનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.

વડોદરાના કરજણ તાલુકાના સાપા ગામના વતની રિફાકત અલી સૈયદે ભરૂચના રહાડપોર ગામે મુસ્કાનપાર્ક ખાતે રહેતં સિદ્દીક હૂસેન સૈયદની બહેન નજમા સાથે લગ્ન કર્યાં હતાં. દાંપત્ય જિવનમાં તેમને ત્રણ સંતાનો હોવા છતાં રિફાકતને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હોઇ તેને મારઝૂડ કરતો હતો. છેલ્લાં 20 દિવસથી તે મહાવીર નગર ઝૂપડપટ્ટી ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. દરમિયાનમાં બુધવારની રાત્રીએ તેણે તેની પત્નીના માથામાં પાવડાના ઘા કરી નિર્મમ હત્યા કરી નાસી છુટ્યો હતો. એક તરફ પોલીસ હત્યારા રિફાકતને શોધવાની કવાયતમાં હતાં. ત્યાં મહાવીર નગર પાસે જ આવેલાં એક તળાવમાંથી આજે શુક્રવારે બપોરના સમયે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ થતાં ટીમે સ્થળ પર દોડી આવતાં તળાવમાં ઉંડે મૃતદેહ હોઇ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કોશિષ કરતાં અંદાજે ત્રણેક કલાક બાદ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.

મૃતદેહની ઓળખ બહેન-માતાએ કરી
હત્યાની ઘટના બાદ રિફાકતની માતા-બહેન તેમજ ભાઇ ભરૂચ આવ્યાં હતાં. દરમિયાનમાં રિફાકતનો મૃતદેહ તળાવમાંથી મળી આવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. ઉપરાંત આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. મૃતદેહ બહાર કાઢતાં પરિવારે તેના કપડાં તેમજ તેની દાઢી અને શારીરિક બાંધાના આધારે તેની ઓળખ કરી હતી.

3 બાળકીઓ હાલમાં મામાએ સાથે રાખી છે
રિફાકત અને નજમાને દાંપત્ય જિવનમાં 9 વર્ષની આલીયા, 7 વર્ષની રૈયાના તેમજ 4 વર્ષની નુસતર એમ 3 પુત્રીઓનું સંતાન સુખ મળ્યું હતું. જોકે, બુધવારની રાત્રે રિફાકતે તેની પત્નીની હત્યા કરી નાસી છુટ્યાં બાદ તેનો પણ મૃતદેહ શુક્રવારે તળાવમાંથી મળી આવતાં બાળકીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે હાલમાં માતા-પિતાને ગુમાવનાર ત્રણેય બાળકીઓ એકલી પડી ગઇ છે. તેના મામા સિદ્દીક હૂસેન સૈયદે હાલમાં ભાણેજોને પોતાની પાસે રાખી છે.

અન્ય સમાચારો પણ છે...