આત્મહત્યા કે હત્યા?:ભરૂચના 4 દિવસથી ગુમ યુવાન તબીબનો મૃતદેહ ગોવાલી બેટ નજીક નર્મદા નદીમાંથી મળી આવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબ ભરૂચની હોસ્પિટલથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યા બાદ થયો હતો ગુમ
  • તબીબના પિતાએ ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી

ભરૂચના 4 દિવસથી ગુમ યુવાન તબીબનો મૃતદેહ ગોવાલી બેટ નજીક નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. નદીમાં ડુબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા આત્મહત્યા કે હત્યાનું રહસ્ય ઘેરાયું છે.

ભરૂચના દવાના વ્યવસાયી બાબુભાઇ ગજરાજભાઇ રાઠોડનો 28 વર્ષીય તબીબ પુત્ર અભિષેક શહેરના એક હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. ત્યારે ગત તારીખ 13મીના રોજ અભિષેક બપોરના સમયે અમદાવાદ જવાનુ કહીને હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ ડો. અભિષેક પોતાના ઘરે પરત ન ફરતા તેના પિતા બાબુભાઈએ ભરુચ ખાતે પોલીસમાં ફરિયાદ લખાવી હતી. યુવાન તબીબ જે કાર લઇને ગયો હતો. તે કાર નર્મદા મૈયા બ્રીજ ઉપરથી બિનવારસી હાલતમાં મળી હતી. આ દરમિયાન તારીખ 16 મીના રોજ ઝઘડીયા તાલુકાના નર્મદા કિનારે ગોવાલી બેટ ખાતે એક મૃતદેહ ડી કમ્પોસ્ટ હાલતમાં મળી આવ્યો હતો.

ઝઘડીયા પોલીસની તપાસ દરમિયાન મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એપલ કંપનીનો મોબાઇલ તેમજ ઘડિયાળ મળી આવ્યાં હતા. જેના આધારે મૃતદેહ ભરૂચના ગુમ થયેલો તબીબ અભિષેકનો હોવાનું જણાયું હતું. પોલીસે મૃતકના પિતાને ફોન દ્વારા આ ઘટનાની જાણ કરતા યુવકના માતા-પિતા ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...