ચોમાસાની સમસ્યા:ભુંડવા ખાડીનો બ્રિજ પૂરના પાણી ફરી વળતાં બે કલાક માટે બંધ રહ્યો

ઝઘડીયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૂંડવા ખાડી પર પાણી આવતા વાહન વ્યવહાર અટવાયો - Divya Bhaskar
ભૂંડવા ખાડી પર પાણી આવતા વાહન વ્યવહાર અટવાયો
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં માર્ગ પરનો આ બ્રિજ લો- લેવલ હોઇ દર ચોમાસાની સમસ્યા

ઝઘડીયા નજીકથી પસાર થતી ભુંડવા ખાડીના પાણી બ્રિજ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બે કલાક માટે વાહનવ્યવહાર માટે બંધ રહયો હતો. આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી દર ચોમાસામાં બ્રિજને બંધ કરવાની ફરજ પડે છે. થોડા સમય પહેલાં ઝઘડીયામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે ભુંડવા ખાડી ઓવરફલો થતાં વાહનવ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી.

ઉપરવાસમાં થઇ રહેલાં ભારે વરસાદના કારણે ભુંડવા ખાડીના જળસ્તરમાં વધારો થતાં પાણી પુલ પર ફરી વળ્યાં હતાં. ભુંડવા ખાડીના લો-લેવલ બ્રિજ પરથી પાણી જઇ રહયાં હોવાથી સલામતીના કારણોસર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો હતો. બ્રિજ બંધ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આવતાં અને જતાં વાહનોના પૈંડા થંભી ગયાં હતાં. બે કલાક બાદ ખાડીમાં પાણીનું સ્તર આંશિક રીતે ઓછુ થતાં માર્ગ ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. આ લો-લેવલ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બની રહયો છે પણ તેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી આ સમસ્યા ઉભી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...