નિર્ણય:ભરૂચમાં 11 હજાર સ્ટ્રીટલાઇટનો વહીવટ હવેથી પાલિકા સંભાળશે

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે મળનારી પાલિકાની સભામાં શાસક– વિપક્ષ વચ્ચે ચમકારા થશે

ભરૂચ શહેરમાં સ્ટ્રીટલાઇટની જવાબદારી સંભાળતા કોન્ટ્રાકટને પાલિકા સાથે વિવાદ થતાં કામગીરી બંધ કરી છે. મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં છે ત્યારે પાલિકાએ હવે સ્ટ્રીટલાઇટોનો વહીવટ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. નવી લાઇટો તથા સામાનની ખરીદી માટે શનિવારે મળનારી સામાન્યસભામાં દરખાસ્ત કરાશે.સ્ટ્રીટલાઇટ સહિતના મુદ્દે સભા તોફાની બનવાના એંધાણ છે.

ભરૂચ પાલિકા અને એલઇડી લાઇટના મેઇટેનન્સનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની વચ્ચે પૈસાનો વાંધો પડતાં બે મહિનાથી લાઇટોના રીપેરીંગની કામગીરી ખોરંભે ચઢી છે. શહેરી વિસ્તારોમાં 11 હજાર કરતાં વધારે એલઇડી લાઇટો શોભાના ગાંઠીયા સમાન બની છે. કોઇ સ્થળોએ સ્ટ્રીટલાઇટો મહિનાઓથી બંધ છે તો કોઇ સ્થળે સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ જોવા મળી રહી છે. પાલિકા કચેરી ખાતે રોજના સરેરાશ 10 લોકો સ્ટ્રીટલાઇટની ફરિયાદ લઇને ઉઠી છે. કોન્ટ્રાકટરે હાથ અધ્ધર કરી લેતાં હવે પાલિકાની હાલત કફોડી બની છે. સ્ટ્રીટલાઇટોના મેઇનટેન્સ માટે કર્મીઓ તથા સરસામાનના અભાવે મામલો પેચીદો બન્યો છે.

શનિવારે મળનારી સામાન્ય સભામાં લાઇટ વિભાગની અનેક દરખાસ્તો રજુ કરાશે. દરખાસ્તોમાં નવા કર્મીઓની ભરતી, માલસામાનની ખરીદી, નવી લાઇટો ખરીદવા સહિતની અનેક બાબતોને આવરી લેવાઇ છે. વિપક્ષના સભ્યોએ લાઇટ કમિટીના વહીવટને ખાડે ગયેલો ગણાવ્યો છે. ત્યારે અા મુદ્દે સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ વચ્ચે ચમકારા થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...