અંકલેશ્વરમાં તસ્કરોને મોકળું મેદાન:એક જ રાતમાં 2 મકાન તથા એક ગેરેજને નિશાન બનાવ્યું, મર્સિડીઝ કાર અને આખેઆખી તિજોરી ઉપાડી ગયા

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના પત્રકાર અને ઉદ્યોગપતિના ઘરેથી મર્સિડીઝ કાર તથા તિજોરી ઉપાડી તસ્કરો ફરાર

અંકલેશ્વર પંથકમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગત રતે તસ્કરોએ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મોટો હાથફેરો કરી નાખ્યો હતો. અંકલેશ્વરના પત્રકાર અને ઉદ્યોગપતિના મકાનમાંથી આખેઆખી તિજોરી તથા મોંઘીદાટ કારની ચોરી કરવા ઉપરાંત એક અન્ય મકાન તથા એક ગેરેજને નિશાન બનાવી હતી.

શિયાળાની તો હજુ શરૂઆત જ થઇ છે ત્યાં તસ્કરો એક્ટીવ થઇ ગયા છે અને વિવિધ વિસ્તારમાં પોતાની ચૌર્યકળા થકી પોલીસ વિભાગને ચેલેન્જ કરી રહ્યા છે. દર વખતની માફક આ વખતે પણ પોલીસ વિભાગ ઊંઘતું ઝડપાયું છે તેમ કહીએ તો તેમાં જરાયે અતિશયોક્તિ નથી.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી શિવ પારસ સોસાયટીમાં રહેતા પત્રકાર અને ઉદ્યોગપતિ ચેતન મોદીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેઓ વેકેશન માનવા દુબઈ ખાતે ગયા હોઈ જેનો લાભ લઇ તસ્કરોએ તેઓના મકાનમાં પ્રવેશી આખેઆખી તિજોરી ઉપાડી લઇ ગયા હતા. તો તસ્કરોના હાથમાં ન્યુ બ્રાંડ મર્સિડીઝ કારની ચાવી પણ હાથ લાગી જતા તેઓ મોંઘીદાટ કાર લઈને ફરાર રહી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ ઉપરાંત તસ્કરોએ ગણેશ પાર્ક સોસાયટીમાંથી એક કારની ચોરી કરી હતી તો અન્ય એક મકાનને પણ નિશાન બનાવી તેમાંથી પણ માલસામાનની ચોરી કરી નાખી હતી. જોકે, આ મકાનમાંથી કેટલાની ચોરી થઇ છે તે જાણવા મળી શક્યું નથી. તસ્કરો આટલેથી નહીં અટકતા જી.દલાભાઈ ટ્રાન્સપોર્ટ નજીક આવેલા યુનિક ઓટોકેર ખાતે પણ તસ્કરો ત્રાટક્યા હતા. જોકે, તેઓને કઈ હાથ લાગ્યું ના હતું. તસ્કરો ગેરેજમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...