ઉત્કર્ષ પહેલમાં ભરૂચ જિલ્લો સમગ્ર દેશમાં અગ્રેસર રહેતા રાજ્યના મુખ્યમંત્રી ખાસ ઉત્કર્ષ ઉત્સવમાં જોડવાના છે. તેવા સમયે અંગારેશ્વર ગ્રામ પંચાયતે પ્રવાસન ધામ તરીકે શુકલતીર્થ, કબીરવડ અને અંગરેશ્વરના વિકાસને લાગેલા ગ્રહણનો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રવાસન ધામ વિકાસનું ખાતમુહૂર્ત કર્યાનો દસ વર્ષ થયાં હોવા છતાં કોઈ કામગીરી થઈ ન હોવાની ફરિયાદ અંગરેશ્વરના સરપંચ શકુબેન વસાવા અને ડે. સરપંચ મહેશ વણકરે કરી છે.
શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વર ભરૂચ જિલ્લામાં એક માત્ર ફરવા લાયક ધાર્મિક સ્થળ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પ્રવાસી અને યાત્રાળુઓ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. સરકારે આ સ્થળોનું ધાર્મિક અને ભૌગોલિક મહત્વ સમજી તેનો પ્રવાસનધામમાં સમાવેશ કર્યો હતો. પ્રવાસનધામ તરીકે વિકાસ કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારે વર્ષ 2011-12 માં રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ જ વર્ષમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી સુબોધકાન્ત સહાયના હસ્તે પ્રવાસનધામ વિકાસ માટે ખાત મુહૂર્ત કરાયું હતું.
જોકે ખાત મુહૂર્ત કર્યા બાદ કાર્ય આગળ વધ્યું ન હતું. પ્રવાસન ધામ વિકાસના ઘોડા માત્ર બજેટના સમયે કાગળ પર દોડતા રહ્યા. વિકાસના નામે એક ઈંટ પણ ન મુકાતા આ પંથકના લોકોમાં રોષ ઉભો થયો હતો. લોકોએ અનેક વખત દેખાવો અને આંદોલન કરી તંત્ર અને સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી. જેના પગલે રૂપિયા 50 કરોડની શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસનધામ તરીકે વિકાસ કરવાની યોજનાને ગ્રહણ લાગ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.