મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ:આદર્શ કિશોરીઓને દરેક કાર્યક્રમમાં સન્માનિત કરવાનો તંત્રનો નિર્ણય

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કિશોરી ઉત્કર્ષ પહેલનો પ્રારંભ

રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ઝઘડિયાથી પ્રારંભ થયેલા કિશોરી ઉત્કર્ષ પહેલમાં 123 ગામમાંથી પ્રથમ તબકકામાં 58 ગામોનો સમાવેશ કરાયો છે.

ઉત્કર્ષ પહેલ અંર્તગત કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગે તાલીમ મેળવી સ્વ-જાગૃતતા મેળવે અને મહત્તમ કિશોરીઓ “આદર્શ કિશોરી”નું બિરુદ મેળવે એવા હેતુસર આ પહેલ કરવામાં આવી છે.

તુષાર સુમેરાએ વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશને કારણે ગ્રામીણ વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે. ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વ-જાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય એ અત્યંત જરૂરી છે.આ તાલીમ બાદ ગ્રામપંચાયત, તાલુકાદીઠ કલસ્ટર અનુસાર જે કિશોરીઓ “આદર્શ કિશોરી”નું બિરુદ મેળવે તેમને સરકારી તમામ પ્રોગ્રામમાં સ્ટેટ ઉપર અગ્ર હરોળમાં સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવશે.

આદર્શ કિશોરીઓને કઇ રીતે ઉપયોગી બનશે ?
દરકે ગામમાં આદર્શ કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ જેવા વિષયો તમામ માહિતી હશે. ભવિષ્યમાં આ તાલિમ થકી તંદુરસ્ત કીશોરી, તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળકની માતા બનશે. જે થકી સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.

આ જ આદર્શ કિશોરીઓ સત્તામાં આવે તો સ્ત્રીસશક્તિરણનો હેતુ સિધ્ધ થશે. ભરૂચ કલેકટર તુષાર સુમેરાના પ્રયાસોથી જિલ્લામાં કિશોરીઓના સશકિતકરણની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહયાં છે. દરેક ગામમાં રહેતી કિશોરીઓ સ્વમાનભેર જીવી શકે તે માટે કિશોરી ઉત્કર્ષ પહેલની શરૂઆત કરવામાં આવી છે. અને પ્રથમ ચરણમાં 58 જેટલા ગામોને પ્રોજેકટમાં આવરી લેવામાં આવ્યાં છે અને બાદમાં અન્ય ગામોનો સમાવેશ કરાશે.

અન્ય સમાચારો પણ છે...