VHPના મહામંત્રીના તીખા પ્રહારો:ભરૂચ ખાતે સુરેન્દ્ર જૈનનું નૂપુર શર્મા મુદ્દે નિવેદન, "કાયદો કાયદાનું કામ કરશે, જુમ્માની નમાઝ બાદના દેખાવો સાંખી લેવાય તેમ નથી"

ભરૂચ13 દિવસ પહેલા
  • તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 10 દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન
  • નુપુર શર્માની સામે ઢગલાબંધ કેસો થયા છે, કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ - સુરેન્દ્ર જૈન
  • સુરેન્દ્ર જૈને ગુજરાત સરકારને નિશાને લીધી, કહ્યું-મંદિર અને મજાર હટાવવા મુદ્દે બે ત્રાજવા ન રાખો

ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 10 દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે અંતિમ દિવસ હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ પ્રસંગે તેમણે હિન્દુ મંદિરો હટાવવા અંગે અને ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન પછી લઘુમતિ સમાજમાં ફાટી નીકળેલા આક્રોષ પર પ્રહારો કર્યા હતા.

શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી 140 જેટલા સભ્યોએ લાભ લીધો
શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી 140 જેટલા સભ્યોએ લાભ લીધો

વર્ગોમાં રાજ્યમાંથી 140 સભ્યોએ ભાગ લીધો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તપોવન આશ્રમ ખાતે તા. 2 જૂનથી 12 જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી 140 જેટલા સભ્યોએ લાભ લીધો હતો અને 20 જેટલા શિક્ષકોએ વર્ગનું સંચાલન કર્યું હતું. આજે શનિવારના રોજ વર્ગોના અંતિમ દિવસે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે વિહિપ એ પોતાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે. તેમજ દેશના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી તેમાં કાયદાકીય રીતે કેવી રીતે લડત આપી શકાય તે માટે કાર્ય કરી રહ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા

"કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઇએ"
દેશના હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે જુમ્માની નમાઝ બાદ દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું તે સાંખી લેવાય તેમ નથી. નુપુર શર્માની સામે ઢગલાબંધ કેસો થયા છે, તો શું વિધર્મીઓને દેશની ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ નથી? કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ.

આજે પરિષદ શિક્ષા વર્ગના અંતિમ દિવસે પત્રકાર પરિષદ યોજાઇ
આજે પરિષદ શિક્ષા વર્ગના અંતિમ દિવસે પત્રકાર પરિષદ યોજાઇ

મંદિર તોડવાની વાત ક્ષમ્ય નથી - સુરેન્દ્ર જૈન
તેમણે ગુજરાત સરકાર સામે પણ તીખા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હિન્દુ એ ક્યારેય વિકાસનો વિરોધી નથી. પરંતુ વિકાસના નામે મંદિરો હટાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે તે યોગ્ય નથી. હાલમાં જ સુરતમાં મહાકાલી મંદિરને હટાવવાના મુદ્દે ભારે વિવાદ છે ત્યારે તેમણે ગુજરાત સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિકાસના કામોમાં વચ્ચે જો કોઈ મંદિર આવતું હોય તો સમાજ સાથે વાટા ઘાટો કરવી જોઈએ અને તેનું અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવું જોઈએ પરંતુ સુધી મંદિર તોડવાની વાત એ ક્ષમ્ય નથી.

સુરેન્દ્ર જૈને ગુજરાત સરકારન ેપણ આડે હાથ લીધી
સુરેન્દ્ર જૈને ગુજરાત સરકારન ેપણ આડે હાથ લીધી

"ગુજરાત સરકાર મંદિર અને મજાર બંનેને અલગ ત્રાજવે તોલે છે"
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર મંદિર અને મજાર બંનેને અલગ ત્રાજવે તોલે છે. માર્ગમાં મજારો પણ આવેલી છે, ત્યારે સરકારે તેનો પણ હિસાબ આપવો પડશે કે તેમણે કેટલી મજાર હટાવી. આ પત્રકાર પરિષદમાં ગુજરાતના 3 પ્રાંતના મંત્રી અશોક રાવત, ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી નવીન પટેલ, દક્ષીણ ગુજરાત પ્રાંતના મંત્રી અજય વ્યાસ, પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક વિરલ દેસાઈ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...