અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સોમાની ચોકડી નજીકથી ટ્રાન્સપોર્ટ ઓફિસની સામેથી બિસ્કિટ ભરેલ ટેમ્પો ચોરોના મામલામાં બિસ્કીટની ખરીદી કરનાર સુરતના ભેસ્તાનના વેપારીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
ગત તારીખ-12મી ઓગસ્ટના રોજ રાતે ઝઘડિયાની બ્રિટાનીયા કંપનીમાંથી બિસ્કિટ ભરીને ટેમ્પો (નંબર-GJ-16-x-6371)ચાલક અશોક દેવમન સીરસાટ અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સોમાની ચોકડી નજીક પાટિલ ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે આવ્યો હતો અને ઓફિસની સામે ટેમ્પો પાર્ક કરી ઘરે ગયો હતો તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી બિસ્કિટ ભરેલ ટેમ્પો અને 6.42 લાખથી વધુનો જથ્થો મળી કુલ 8.42 લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ટેમ્પો ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન જી.આઈ.ડી.સી.પોલીસે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રિયકા ગ્રીનપાર્કમાં રહેતા અને ચોરીના બિસ્કિટની ખરીદી કરનાર વેપારી ભેરુલાલ જગદીશ તૈલીને ઝડપી પાડી તેની પાસેથી ટેમ્પો સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટેમ્પોની ચોરી કરનાર ઈસમ હજી પોલીસ પકડથી દૂર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.