આવેદન:મંગલેશ્વર ગામે નર્મદામાં ગેરકાયદે રેતીખનન મુદ્દે કલેક્ટરને રજૂઆત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસૂરવારોને છાવરવા રાજકીય દબાણ હોવાના આક્ષેપ સાથે તંત્ર વાહકોને આવેદનપત્ર અપાયું

મંગલેશ્વર ગામના સરપંચ તેમજ આગેવાનોએ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે ગત 23મી જૂને ખાણ ખનીજ વિભાગમાં તેમના ગામે નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનન થઇ રહી હોવાની અરજી કરી હતી.જે બાદ 26મી જૂને ખાણ ખનીજ વિભાગે જીપીએસ કોર્ડીનેટ પોઇન્ટ મેળવી સ્થળનું પંચનામુ કર્યું હતું. જેમાં વિસ્તારમાં ગેરકાયદે ખનન થયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે, વિભાગ દ્વારા તેમને તેની કોપી આપી ન હતી. ઉપરાંત તે બાદ પણ ત્યાં ગેરકાયદે રીતે ખનન ચાલી રહ્યું હોવા છતાં વિભાગ દ્વારા કાર્યવાહી થતી નથી.

સરપંચ વિરેન્દ્રસિંહ રાજે ઉમેર્યું હતું કે, જે તે લીઝ જયાબેન જોષી અને મહેશ જોષીના નામે છે. જેમાં અગાઉ 76 લાખનો દંડ ખાણ ખનીજ વિભાગે કર્યો હતો. પરંતુ બાદમાં દંડની રકમના હપ્તા પાડી લીઝ ચાલું કરાઇ હતી. જે બાદ 2021માં પણ 12 લાખનો દંડ કરાયો હતો. જે બાદ હજી પણ ત્રીજીવાર ગેરકાયદે ખનનના પુરાવા મળવા છતાં ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી.

ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, વિભાગના અધિકારીઓ દ્વારા જ પ્રવૃત્તિ કરાવામાં આવી રહી છે.આગામી બે દિવસમાં ગેરકાયદે ખનન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

મારા પર પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવી રહી છે
ગેરકાયદે થઇ રહેલાં રેતી ખનનને અટકાવવા અને કસુરવારો સામે કાર્યવાહી કરવા માટે ખાણખનીજ વિભાગમાં અરજી કરી હતી. જેના પગલે સ્થળનું પંચક્યાસ પણ કરાયું હતું. પણ તેની કોપી અમને આપતાં નથી. બીજી તરફ રાજકીય વર્તુળોમાંથી મારા પર પોલીસ કેસ કરવાની પણ ધમકીઓ પણ મળી રહી છે. - વિરેન્દ્રસિંહ રાજ, સરપંચ, મંગલેશ્વર ગ્રામ પંચાયત.

અન્ય સમાચારો પણ છે...