• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Strict Action Against Power Thieves In Zaghadiya Taluka; In The Presence Of The CM, The MP Appealed To The People Not To Steal Electricity

25 લાખની વીજચોરી ઝડપાઈ:ઝઘડિયા તાલુકામાં વીજચોરો પર કડક કાર્યવાહી; CMની હાજરીમાં જ સાંસદે લોકોને વીજચોરી ન કરવા અપીલ કરી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 34 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સહિતના આજુબાજુના ગામોમાં બુધવારની વહેલી સવારે વીજ વીજીલન્સની ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરો ઉંઘતા ઝડપાયા હતા. ઝડપાયેલા 68 વીજ જોડાણોમાંથી ₹25 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ હતી. લંગરીયાઓ નાંખીને તેમજ વીજ મીટરો સાથે ચેડા કરીને વીજચોરી કરનાર તત્વો સામે વીજ કંપની દ્વારા કરવામાં આવેલ દંડનીય કાર્યવાહીને પગલે વીજચોરોમાં નાસભાગ જોવા મળી હતી. આ દરમિયાન ઝઘડિયામાં સબ સ્ટેશનના લોકાપર્ણ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી CMની સામે જ લોકોને વીજચોરી ન કરવા અપીલ કરી હતી.

22 વાહનોના કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ GUVNL દ્વારા વીજચોરી અંતર્ગત રાજપારડી સહિતના ગામોમાં વીજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે વહેલી સવારે વીજ કંપનીની 34 જેટલી ટીમોએ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે 22 વાહનોના કાફલા સાથે રાજપારડી, સારસા, માધપુરા વિગેરે વિસ્તારોમાં આકસ્મિક વીજચેકિંગ હાથ ધર્યુ હતુ.

25 લાખ રકમની વીજચોરી ઝડપી
આ દરમિયાન વીજ કંપનીની ટીમોએ 565 જેટલા વીજ જોડાણો જીણવટભરી રીતે તપાસ્યા હતા. તપાસ દરમિયાન કુલ 68 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઇ આવતા આ વીજચોરોને કુલ મળીને રૂ.25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 25 લાખ જેટલી માતબર રકમની વીજચોરી ઝડપાતા પંથકમાં વીજચોરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.

વીજ ચોરી ન કરો અને બિલ ભરો- સાંસદ મનસુખ વસાવા
ઉલ્લેખનીય છે કે, રવિવારે જ ઝઘડિયામાં ₹41 લાખના ખર્ચે 5 સબ સ્ટેશનનું લોકપર્ણ અને ભૂમિપૂજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. તે સમયે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી લોકોને વીજ ચોરી નહિ કરવા અપીલ કરી હતી. વીજ ચોરીથી નાગરિકો અને સરકારને જ નુકસાન થતા દેશનું અર્થતંત્ર ચલાવવામાં તકલીફ પડતી હોય. લોકોને વીજ ચોરી નહિ કરી વીજ બિલ ભરવા સાંસદે સલાહ આપી હતી. જેના ત્રણ દિવસમાં જ રાજ્યના ઉર્જા મંત્રીના દરોડામાં 25 લાખની વીજ ચોરી ઝડપાતા મામલો ચર્ચાની એરણે ચઢ્યો છે.

અન્ય સમાચારો પણ છે...