ભરૂચ જિલ્લામાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી:વાવાઝોડા સાથે મેઘરાજાની તોફાની દસ્તક

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી - હાલની ઝડપમાં ચાર ગણો વધારો થશે
  • 43 ગામોથી વધુ ગામોના લોકોને એલર્ટ કરાયાં : મોડી રાત્રે વીજળીના ચમકારા અને કડાકાભડાકા સાથે વરસાદ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં હોળી બાદ ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અપર એર સરકયુલેશનમાં લો-પ્રેસર થવાના કારણે અંકલેશ્વર, દેડિયાપાડા સહિતના સ્થળોએ હળવું વરસાદી ઝાપટું પડયું હતું. બીજી તરફ ભરૂચ જિલ્લામાં 4 દિવસ સુધી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં આવેલાં 43 ગામોનો એક લાખ કરતાં વધારે લોકોને સર્તક રહેવા અને સાવધાની રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

હોળીના તહેવારના દિવસે ભરૂચમાં ફૂંકાયેલા વાવાઝોડાની યાદ મંગળવારે ફૂંકાયેલા વાવાઝોડાની યાદ અપાવી દીધી હતી. હોળી બાદ આકાશમાંથી સુર્યનારાયણ અગનગોળા વરસાદી રહયાં હોવાથી તાપમાનનો પારો 35 ડીગ્રીને પાર કરી ગયો હતો. મંગળવારે બપોરના સમયે ફરી એક વખત મોસમે મિજાજ બદલ્યો હતો. 10 કિમીથી વધુની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અંકલેશ્વર, દેડિયાપાડા સહિતના અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ રાજયના હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં આજથી 19મી માર્ચ સુધી 40 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત કરવામાં આવી છે. વાવાઝોડાની સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના હોવાથી વહિવટીતંત્ર સાબદું બની ગયું છે. જિલ્લાના તમામ અધિકારીઓએ હેડકવાટર્સ નહિ છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.ભરૂચ શહેરમાં મંગળવારે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

દરિયાકાંઠે વાવાઝોડાની સંભાવના વધુ
ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના 43 જેટલા ગામો દરિયા કિનારે આવેલાં છે. દરિયાકિનારાના ગામોમાં વાવાઝોડાની અસર વધારે રહેતી હોવાથી આ વિસ્તારમાં તંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. ભુતકાળમાં વાયુ, મહા, ટાઉતે જેવા વાવાઝોડાની અસર કાંઠા વિસ્તારોમાં વધારે હતી.

સાવચેતીના પગલા ભરવા સૂચના આપી
વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે જેના કારણે કાંઠા સહિતના વિસ્તારોના ગામો એલર્ટ કરાયા છે. દરેક મામલતદારોને તેમના વિસ્તારોમાં અગમચેતીના પગલા ભરવા જણાવી દેવાયું છે . > એન.આર.ધાધલ, આરડીસી

અન્ય સમાચારો પણ છે...