રાજ્યના પ્રથમ પ્રોજેક્ટનું બાળ મરણ:ભરૂચમાં 3 વર્ષ પહેલાં બેઘરો માટે શરૂ કરાયેલો રાજ્યનો પ્રથમ શેલ્ટર ઓન વ્હિલ પ્રોજેક્ટ બન્યો નિરાશ્રિત

ભરૂચએક મહિનો પહેલા
  • એસટીની બે બસોને રૂ. 6 લાખના ખર્ચે રીનોવેટ કરી શેલ્ટર ઓન વ્હીલનું મોટા પાયે ઉદ્ઘાટન કરાયું હતું
  • બંન્ને બસો ભંગાર હાલતમાં પાલિકાની જે.બી. મોદી નજીકની સાઇડ પર પડી રહેલી છે
  • બંન્ને બસોનું સમારકામ કરી તેને ફરી કાર્યરત કરવામાં આવે તે જરૂરી બન્યું

ભરૂચ શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા 3 વર્ષ પહેલાં બે બસોને રૂ. 6 લાખના ખર્ચે રીનોવેટ કરી શરૂ કરાયેલો રાજ્યનો પ્રથમ પ્રોજેક્ટ શેલ્ટર ઓન વ્હીલ હાલ પોતે જ નિરાશ્રિત બની ગયો છે.

ભરૂચ શહેરમાં બેઘરો, રસ્તે રઝળતા અને ફૂટપાથ ઉપર જીવન વ્યતિત કરતા લોકોને રાતે આશરો આપવા પાલિકા દ્વારા રાજ્યનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. એસટીની બે બસોને રૂ. 6 લાખના ખર્ચે રીનોવેટ કરી શેલ્ટર ઓન વ્હીલનું મોટા પાયે ઉદ્ઘાટન તત્કાલીન મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું.

જેમાં એક બસ મહિલા અને એક બસ પુરૂષ માટે ફાળવી તેમાં દસ-દસ બેડની વ્યવસ્થા સાથે જ CCTV, તકિયા, પાથરણા સહિતની સુવિધા કરી બંન્ને બસોને રેલવે સ્ટેશન સામે પાર્કિંગમાં મુકાઈ હતી.

જો કે બાદમાં ગત વર્ષે સિવિલ હોસ્પિટલની પાછળ કરોડોના ખર્ચે શેલ્ટર હોમ કાર્યરત કરી દેવાયું હતું. હવે શેલ્ટર ઓન વ્હીલ માટે તૈયાર કરેલી બંન્ને બસો ભંગાર હાલતમાં પાલિકાની જે.બી. મોદી નજીકની સાઇડ પર જાતે જ નિરાશ્રિત બની પડી રહી છે. પાલિકાએ કરેલો રૂ. 6 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે. ત્યારે આ બંન્ને બસોનું સમારકામ કરી તેને ફરી કાર્યરત કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...