ભરૂચની મનુબર ચોકડી પાસે બ્રીજ નીચેથી ચોરી થયેલી બાઈક સાથે એસ.ઓ.જીએ બે બાઈક ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના આલી પાંજરાપોળ વિસ્તારમાં આવેલ તાયવાડ સ્થિત સત્કાર સોસાયટીમાં રહેતા રફીઉલમહેંદી ઇકબાલ હુસેન ભોલાએ ગત તારીખ-4-7-22ના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.એફ.1170 લઇ દહેજ ખાતે કંપનીમાં જવા નીકળ્યા હતા. જેઓએ પોતાની બાઈક ભરૂચની મનુબર ચોકડી પાસે બ્રીજ નીચે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો તેઓની 40 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બાઈક ચોરી અંગે બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. તે દરમિયાન ભરૂચ એસ.ઓ.જીએ મનુબર ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઈસમોની અટકાયત કરી તેઓની પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પોકેટકોર્પ મોબાઈલ એપની મદદથી તપાસ કરતા આ બાઈક ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મનુબર રોડ ઉપર આવેલી મોહંમદી પાર્કમાં રહેતો એજાજ ઉર્ફે મામા મોહમદ ઈબ્રાહીમ પટેલ અને સાજીદ ઈબ્રાહીમ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.