રથયાત્રા પૂર્વે મંદિરમાં ચોરી:ભરૂચમાં ભગવાન જગન્નાથના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો, દાનપેટીનું તાળું તોડી 20 હજારથી વધુની રકમની ચોરી કરી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે તસ્કરો પોલીસ પેટ્રોલિંગને પડકારી આશ્રય સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મદિરમાં મૂકેલી દાન પેટીમાં હાથફેરો કરી તેમાં રહેલી રકમની ચોરી કરી હતી. જેની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવી ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
મંદિરના ઉપરના ભાગમાં રહેલી દાન પેટીનું તાળું તોડ્યું
ભરૂચમાં આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળનાર છે. ત્યારે બીજી તરફ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ફ્લેગ માર્ચ યોજીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે, શહેરમાં તસ્કરો હવે ભગવાનના મંદિરને પણ છોડતા નથી અને મંદિરમાં પણ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં આવેલી આશ્રય સોસાયટીના પાછળના ભાગે આવેલા ભગવાન જગન્નાથ મંદિરની એક તરફ ભક્તો ભગવાન જગન્નાથની નિકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગેલા હતા. ત્યારે ગત રાત્રીના તસ્કરોએ ત્રાટકીને મંદિરના ઉપરના ભાગમાં રહેલી દાન પેટીનું તાળું તોડી નાખ્યું હતું. એક વર્ષથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા અંદાજીત 20થી 25 હજાર રૂપિયાની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા.

ચોરીની ઘટનાના પગલે ભક્તોમાં રોષ
વહેલી સવારે મંદિરમાં થયેલી ચોરી જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જોકે, રથયાત્રા પૂર્વે મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના પગલે સ્થાનિક લોકો સહિત ભક્તોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જગન્નાથ મંદિરમાં આ ત્રીજી વખતે મંદિરમાં રહેલી દાન પેટીમાં ચોરી થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલમાં તો એ ડીવીઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...