લુખ્ખાઓનો આતંક:ભરૂચમાં પેટ્રોલપંપ પર છ શખસે બે કર્મચારીને ઢોરમાર માર્યો, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ

ભરૂચએક મહિનો પહેલા
  • પેટ્રોલ ભરાવવા મુદ્દે બોલાચાલી થયા બાદ કર્મચારીઓ સાથે મારામારી કરવામાં આવી

ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર લુખ્ખાગીરીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પેટ્રોલ ભરાવવા મુદ્દે કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા બાદ છ શખસે બે કર્મચારીને લાકડાના સપાટાઓથી ઢોરમાર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લુખ્ખાગીરીનાં દૃશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.

વાલિયા-નેત્રંગ રોડ પર જલરામ સોસાયટી પાસે જલારામ પેટ્રોલપંપ આવેલો છે. અહીં વિજય વિકટર વસાવા અને મિત્રકુમાર પટેલ સહિતના અન્ય કર્મચારીઓ રાત્રિના સમયે ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે એક એક્ટિવાચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો, જેણે પ્રથમ 150 રૂપિયાનું અને બાદમાં 130 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહેતાં વિજય વસાવાએ રકમ નક્કી કરવા કહ્યું હતું, જેથી એક્ટિવાચાલક ઉશ્કેરાયો હતો. પંપ પર ફરજ બજાવી રહેલા વિજય અને મિત્ર પટેલ સાથે મારામારી કરી જતો રહ્યો હતો.

રાત્રિના 12 વાગ્યે 6 શખસ ધસી આવ્યા
એક્ટિવાચાલક બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો, પરંતુ રાત્રિના 12 વાગ્યે વિજય અને મિત્ર પટેલ સહિતના કર્મચારીઓ કેબિનમાં આરામ કરી રહ્યા હતા ત્યારે જ છ શખસ લાકડાના સપાટાઓ લઈને આવી પહોંચ્યા હતા. એને જોઈ ડરી જતાં વિજયે કેબિનમાં સંતાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, લાકડાના સપાટાઓ સાથે ધસી આવેલા શકસો કેબિનમાં ઘૂસ્યા હતા અને વિજય પર તૂટી પડ્યા હતા.

લુખ્ખાઓએ જાણે પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો
પેટ્રોલપંપ પર સીસીટીવીમાં લુખ્ખાગીરીનાં જે દૃશ્યો કેદ થયાં છે એ અત્યંત ડરાવનારા છે. આરોપીઓને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે આતંક મચાવતા જોવા મળ્યા હતા. 6 મિનિટ સુધી આખા પેટ્રોલપંપને બાનમાં લઈ આતંક મચાવનારા લુખ્ખાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવીના આધારે ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...