ભરૂચ તાલુકાના સરનાર-વ્હાલું ગામને જોડતો માર્ગ બિસ્માર થઈ જતા તેના નવિનીકરણ માટે સરકારે રૂ. 1.50 કરોડ મંજૂર કરતાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. નોંધનીય છે કે બિસ્માર રોડના નવિનીકરણના પગલે ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.
સરનારથી વ્હાલું, મહુધલાથી ત્રાલસા અને ટંકારીયાથી ઘોડી રોડ બિસ્માર થઈ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ત્રણે માર્ગના નિર્માણ માટે રૂપિયા 329 કરોડ મંજુર કર્યા હતા. જેમાં પ્રથમ ચરણમાં સરનાર-વ્હાલું ગામને જોડતા રસ્તાનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના આગેવાનો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણાએ ગ્રામજનોએ હરહંમેશ તેમની સાથે રહી ગામના વિકાસ માટેની ખાતરી આપી હતી. જ્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ધારાસભ્ય અરુણસિંહ રણાના ઘરે ઘરે આયુષ્યમાન કાર્ડ પહોંચાડવાના "ઘર ઘર આયુષ્યમાન, હર ઘર આયુષ્યમાન" અભિયાનની સરાહના કરી હતી.
તો વ્હાલું ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય અરુણસિંહ રણાએ વ્હાલુ ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યાં સરપંચની હાજરીમાં વાસ્મો દ્વારા મંજૂર થયેલ પીવાના પાણીના સ્ટોરેજ માટે સમ્પ અને ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.