ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલી સગીરાની લાશના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ ગળુ દબાવી હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ગુનાને અંજામ આપનારા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
મૃતદેહના પીએમ રિપોર્ટમાં રેપ વીથ મર્ડરનો ખુલાસો થયો
આમોદ તાલુકાના એક ગામે સીમમાં લાકડા વીણવા ગયા બાદ ગુમ થયેલી 14 વર્ષીય સગીરાની આપત્તીજનક હાલતમાં લાશ મળી આવી હતી. માતાએ દીકરીના આપત્તીજનક હાલતમાં મૃતદેહને જોતા જ તેની સાથે અઘટિત કૃત્ય આચર્યા બાદ હત્યા કરાઈ હોવાની પ્રબળ શંકા સેવી હતી.અત્યંત ગંભીર અને સંવેદનશીલ ઘટનામાં જિલ્લા પોલીસ એલર્ટ થઇ કિશોરીના મૃતદેહને મંગળવારે પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત ખસેડાયો હતો.
હત્યારાને ઝડપવા પોલીસ તપાસ શરૂ
બુધવારે આવેલા રિપોર્ટમાં કિશોરી સાથે રેપ વીથ મર્ડરની ઘટના ઘટી હોવાના ઘટસ્ફોટ સાથે જિલ્લામાં અરેરાટી ફેલાઇ ગઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અતિ સંવેદનશીલ આ ઘટનામાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જંબુસર ડિવિઝન ઇન્ચાર્જ DYSP જે.સી. નાયક, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે આમોદ પોલીસની ટીમો બનાવી નરાધમ હત્યારાને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. ગામના જ કોઈ સ્થાનિક શખ્સે કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.