નોટિસ:વળતરનું કોકડું ગુંચવાતા કેનાલનું રીપેરિંગ અટકયું

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ શહેરવાસીઓને તરસ્યા રહેવું પડે તેવા દિવસો દુર નથી
  • અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ભંગાણ મામલે જીએનએફસીને નોટિસ

અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે પડેલાં ગાબડાના રીપેરીંગની કામગીરી એક સપ્તાહ બાદ પણ ચાલુ થઇ શકી નથી. કેનાલના પાણી ફરી વળ્યાં બાદ ખેડૂતો વળતરની માગણી કરી રહયાં છે તેમની એક જ માગ છે કે, પહેલાં વળતર ચુકવવામાં આવે પછી જ તેઓ રીપેરિંગ કરવા દેશે. બીજી તરફ નહેર વિભાગે કેનાલમાં પડેલા ગાબડા માટે જીએનએફસી કંપનીને જવાબદાર ગણાવી નોટિસ આપી છે. જો કેનાલનું સત્વરે રીપેરિંગ નહિ થાય તો ભરૂચમાં જળસંકંટ ઘેરુ બને તેવા એંધાણ વર્તાય રહયાં છે.

ભરૂચ શહેરમાં 5મી તારીખથી એક જ ટાઇમ પાણી આપવામાં આવતાં લોકોની હાલત કફોડી બની છે. શહેરને પાણી પુરૂ પાડતી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે 12 મીટર પહોળુ ગાબડું પડતાં ડભાલી, બંબુસર,સામલોદ અને કવિઠા ગામની 300 એકર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે. ભંગાણની જાણ થતાં નહેર વિભાગે રીપેરિંગની કવાયત હાથ ધરી છે પણ ખેડૂતો પહેલાં વળતરની માગણી કરી રહયાં છે. જયાં સુધી પાકને થયેલાં નુકશાનનું વળતર નહિ મળે ત્યાં સુધી કેનાલનું રીપેરિંગ નહિ કરવા દેવા ખેડૂતો મકકમ છે. બીજી તરફ ભરૂચ શહેરમાં હાલ જરૂરીયાત કરતાં 50 ટકા જ પાણી આપવામાં આવી રહયું છે.

ખેડૂતોને થયેલા નુકશાનના વળતર મામલે નહેર વિભાગ અને જીએનએફસી આમને સામને આવી ગયાં છે. જીએનએફસીની ભુલના કારણે કેનાલમાં ભંગાણ પડયું હોવાનો દાવો નહેરખાતાના અધિકારીઓ કરી રહયાં છે. વળતરના ગુંચવાયેલાં કોકડાના કારણે ભરૂચવાસીઓને તરસ્યાં મરવાનો વારો આવે તેવા દિવસો હવે દુર નથી. જીએનએફસી કંપનીને અપાયેલી નોટિસ બાબતે ભરૂચ ડિવિઝનના અધિકારી મોટવારનો સંપર્ક કરતાં તેમણે નોટિસ આપી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

નહેર વિભાગનો દાવો શું છે ?
અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી જીએનએફસી કંપની પાણી મેળવે છે. કેનાલમાંથી પાણી પપિંગ કરીને જીએનએફસી કંપની સુધી લઇ જવામાં આવે છે. 31મીની રાત્રિએ કેનાલમાં 170 કયુસેક જેટલું પાણી છોડાઇ રહયું હતું પણ મોટર બંધ થઇ જતાં પાણીનું લીફટીંગ અટકી ગયું હતું. 8 કલાક સુધી કેનાલમાં પાણી ચાલુ રહેતાં કેનાલ ઓવરફલો થઇ હતી અને પંપિંગ સ્ટેશનથી 2 કીમી દુર આવેલાં ડભાલી ગામ પાસે ગાબડું પડી ગયું હતું. વોટર લિફટિંગ બંધ થયાની કેનાલ વિભાગમાં જીએનએફસી કંપનીએ જાણ જ કરી ન હતી તેમ કેનાલ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

એક જ વર્ષમાં બીજી વખત ઘટના બની
અમારા ગામ પાસેથી પસાર થતી કેનાલ બની ત્યારથી તેનું રીપેરિંગ જ કરાવાયું નથી. કેનાલ ઠેકઠેકાણેથી તુટી જતાં પાણી વ્યર્થ વહી જાય છે. એક જ વર્ષમાં બીજી વખત ગાબડું પડતાં અમને આર્થિક નુકશાન થયું હોવાથી અમે વળતરની માગ કરી રહયાં છે. જયાં સુધી વળતર નહિ મળે ત્યાં સુધી અમે રીપેરિંગ કરવા દઇશું નહી.> ભદ્રેશ પટેલ, ખેડૂત, ડભાલી

અન્ય સમાચારો પણ છે...