આગ ભભૂકી:દહેજની બેન્જો કેમ લિમિટેડના નવા પ્લાન્ટમાં સપ્લાય પાઈપલાઈન ઉપર સીડી પડતા લીકેજના કારણે આગ લાગી

ભરૂચ5 મહિનો પહેલા
  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામ રાહતનો શ્વાસ લીધો
  • સેફ્ટી, જીપીસીબી અને પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી

દહેજ સેઝ-2માં આવેલી બેન્જો કેમ લિમિટેડ કંપનીમાં નિર્માણ પામી રહેલા નવા પ્લાન્ટનો RCC સ્લેબ તૂટી પડ્યો હતો. જેના પગલે ઘટનામાં એસિડ અને હોટ ઓઇલની લાઈન બ્રેક થતા આગ ફાટી નીકળી હતી.

દહેજ જીઆઈડીસી સેઝ 2માં આવેલી બેન્જો કેમ લિમિટેડ કંપનીમાં હાલ કાર્યરત પ્લાન્ટની બાજુમાં નવા પ્રોજેક્ટ હેઠળ નવો પ્લાન્ટ બની રહ્યો છે. આજે શનિવારે સવારે નવા પ્લાન્ટનો આર.સી.સી. સ્લેબ ઉપર સીડી પડતા આગ લાગી હતી. જેથી દોડધામ મચી ગઇ હતી. સ્લેબ તૂટીને બાજુમાં કાર્યરત પ્લાન્ટની એસિડ અને હોટ ઓઇલની લાઈન ઉપર પડતાં બંન્ને પાઈપલાઈનો તૂટતા આગ ભભૂકી ઉઠી હતી.

હોટ ઓઈલના લીધે આગ અને એસિડના લીધે ધુમાડાઓ નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આગના પગલે નજીકમાં આવેલા લખીગામના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાનો કોલ ફાયર, જીપીસીબી, ફેકટરી ઇન્સ્પેકટર અને દહેજ પોલીસને અપાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગણતરીના સમયમાં આગ ઉપર ફાયર ફાઈટરોએ કાબુ મેળવી લઈ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...