આયોજન:ભરૂચમાં અષાઢી બીજે ત્રણ સ્થળોએ રથયાત્રાના દર્શનનો લ્હાવો મળશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇસ્કોન મંદિર તરફથી શીતલ સર્કલ ખાતેથી રથયાત્રાનું આયોજન કરાયું
  • ફૂરજા અને આશ્રય સોસાયટી બાદ પૂર્વ વિસ્તારમાં પ્રથમ વખત રથયાત્રા

ભરૂચ શહેરમાં અષાઢી બીજના દિવસે ત્રણ સ્થળોએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ફુરજા ખાતે આવેલાં જગન્નાથ મંદિર અને આશ્રય સોસાયટી ખાતેથી રથયાત્રા નીકળતી હતી પણ હવે ઇસ્કોન તરફથી પણ રથયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.ભરૂચ શહેરમાં વર્ષોથી અષાઢી બીજના દિવસે ફુરજા વિસ્તારમાં આવેલાં જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રા નીકળી રહી છે. સમય જતાં આશ્રય સોસાયટીમાં ભગવાન જગન્નાથજીનું નવું મંદિર બન્યાં બાદ ત્યાંથી પણ રથયાત્રા નીકળે છે. આમ અષાઢી બીજના દિવસે શહેરીજનો બે રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે રથયાત્રા કાઢવાની મંજુરી આપવામાં આવતી ન હતી. કોરોના દુર થઇ ગયાં બાદ આ વર્ષે રંગેચંગે રથયાત્રા કાઢવામાં આવશે.ભરૂચમાં નિર્માણાધીન શ્રી શ્રી રાધા મનમોહન મંદિર ( ઇસ્કોન) તરફથી પણ રથયાત્રા કાઢવામાં આવશે. શહેરમાં પ્રથમ વખત ઇસ્કોન તરફથી રથયાત્રા યોજાવા જઇ રહી છે. સુશોભિત રથમાં પ્રભુ પરિવારને બિરાજમાન કરી નગરચર્યા કરાવવામાં આવશે. આ રથયાત્રા શીતલ સર્કલથી વિવિધ વિસ્તારોમાં ફરી ઝાડેશ્વરની કેજીએમ વિદ્યાલય ખાતે પહોંચશે.

ભરૂચ શહેરમાં પણ અષાઢી બીજનો તહેવાર ભકિતસભર માહોલમાં ઉજવવામાં આવે છે. ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલાં જગન્નાથજી મંદિર અતિ પ્રાચીન ગણવામાં આવે છે. ફુરજા બંદર ખાતે દેશ અને વિદેશમાંથી આવતાં મોટા જહાજો લાંગરતા હતાં. ત્યારથી ભોઇ સમાજના લોકોએ જગન્નાથજી રથયાત્રાની શરૂઆત કરી હતી. ઝઘડીયાની મુલદ ચોકડી નજીક ઇસ્કોનનું ભવ્ય મંદિર બની રહયું છે ત્યારે હવે મંદિર તરફથી રથયાત્રાની જાહેરાત કરાય છે.

અન્ય સમાચારો પણ છે...