ટ્રેન વ્યવહાર અડધો કલાક ખોરવાયો:ભરુચના નબીપુરમાં રેલવે ટ્રેક તૂટી ગયો, ડ્રાઈવર અને ગેંગમેનની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન ઉપર અપલાઇન પર રેલ ફેક્ચરની ઘટના સામે આવી છે. જોકે, ગેંગમેનના ચેકિંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે-તે સ્ટેશને થોભી દેવામાં આવી હતી. નબીપુર અપલાઈન પર રેલ ફેક્ચરને લઈ અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર 30 મિનિટ સુધી ઠપ થઈ ગયો હતો. અડધા કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો.

દબાણના કારણે પાટા તૂટી જાય છે
શિયાળામાં રેલવેના પાટા સંકોચાવાની અને ઉનાળામાં વિસ્તરણ પામવાની ઘટના સામાન્ય છે. અતિશય ઠંડીના કારણે પાટા સંકોચાવા અને ગરમીમાં પોહળા થવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુર ઝડપે પસાર થતા રેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે. એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે. આવી જ એક ઘટના આજે સવારે 9 કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક સામે આવી હતી.

મોટી દુર્ઘટના ટળી
વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જોડતો રેલવે ટ્રેક ફેક્ચર થઈ ગયો હતો. સોમવારે સવારના ફરજ બજાવતાં ગેંગમેન કે પહેલા પસાર થયેલી ઉદેપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના ડ્રાઈવરને રેલ ક્રેક વિશે જાણ થઈ હોવાની માહિતી સાંપડી છે. રેલવે ટ્રેક ચેકીંગ દરમ્યાન ધ્યાન પડતાં ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલવેના અધિકારીને કરવામાં આવતા રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પીડબ્લ્યૂઆઈને પણ કરાઈ હતી. રેલવે ગેંગમેનની સમય સૂચકતાથી મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી.

ટ્રેનોને અટકાવાઈ
ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્ત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી. જેમાં પાલેજ, નબીપુર અને અન્ય સ્ટેશનો ઉપર પશ્ચિમ એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, પુરી અને વલસાડની 3 ટ્રેનોને અટકાવી દેવાઈ હતી.

ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરાયો
રેલવે ટ્રેકની ઘટનાના પગલે વડોદરાથી મુંબઈ તરફ જતી 3 સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો તેના નિયત સમય કરતાં અડધાથી પોણો કલાક મોડી ચાલતી હતી. રેલવેએ અડધો કલાકનો બ્લોક લઈ ટ્રેક ફેક્ચરને નવો પાટો નાખી દુરસ્ત કરી દીધું હતું. આશરે સવા 10 કલાકથી અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...