કોરોના વાઈરસ:અબુધાબીથી આવેલા 133 જણને નર્મદા જિલ્લામાં ક્વોરન્ટાઇન કર્યા

રાજપીપલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબુધાબીથી આવેલા લોકોની અધિકારી સાથે ચડભડ થઇ હતી. - Divya Bhaskar
અબુધાબીથી આવેલા લોકોની અધિકારી સાથે ચડભડ થઇ હતી.
  • બે મહિને આવેલા કામદારોએ કહ્યું ભારત કરતા વિદેશમાં ફેસિલીટી સારી હતી

દુબઇની કંપનીમાં ગુજરાતના કેટલાક લોકો ચાર મહિના પહેલા નોકરી માટે ગયા હતા. લોકડાઉનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ થતાં બે મહિનાથી વડોદરા સહિત આસપાસના જિલ્લાના કામદારો અબુધાબીમાં અટવાઇ ગયા હતાં. તાજેતરમાં ફ્લાઇટો શરૂ થતાં 133 કામદારોને અબુધાબીથી ફલાઇટમાં અમદાવાદ લવાયા હતાં. જ્યાં સ્ક્રીનિંગ કરી તમામને બુધવારે 4 બસમાં નર્મદા જિલ્લાના રાજપીપલા સ્થિત આદર્શ નિવાસી શાળામાં ક્વોરન્ટાઇન માટે મોકલી આપ્યા હતાં. જ્યાં તેમને 10 દિવસ રાખવામાં આવશે. જોકે, કવોરન્ટાઇન સેન્ટરમાં તેમણે વધુ સારી સુવિધાની માગણી કરી વિરોધ નોંધવી સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. 

સાહેબ ફ્રીજ ક્યાં છે, મારી ચોકલેટ ઓગળી જશે

અબુધાબીથી આવેલા 133 કામદારોએ જુદી જુદી સુવિધાની માગણી કરી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. એક વ્યક્તિએ તો અધિકારીને પૂછ્યું કે, સાહેબ અમે દુબઇથી ચોકલેટ લાવ્યા છે, આ તાપમાં ઓગળીને ખરાબ થઈ જશે, ફ્રીજ ક્યાં છે કહી તેની માગણી કરી હતી.

નર્મદા જિલ્લામાં કોઇ ફેસિલીટી નથી, અમારે ક્યાં જવું?

અમને વિદેશમાં સારી ફેસિલિટી મળતી હતી. અમને અમદાવાદથી સીધા નર્મદામાં ક્વોરન્ટાઇન કર્યાં છે પરંતુ અહીં કોઈ ફેસિલિટી નથી. અમારે ક્યાં જવું , સરકારની વ્યવસ્થા સાવ ખરાબ છે. અમને સારી ફેસિલિટી આપો. > મીલન પટેલ, અબુધાબીથી આવેલો યુવાન

આ લોકો એસી અને ફ્રીજ માંગે તો અમે ક્યાંથી લાવીએ?

નર્મદામાં 300 લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય એવી વ્યવસ્થા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે સુવિધા આપી છે. તેઓ એસી, ફ્રીજ માંગે તો ક્યાંથી લાવીએ. ખાનગી હોટેલ માટે અમે છૂટ આપી પણ તેનું ભાડું આ લોકો ભરવા તૈયાર નથી હવે અમે શું કરીએ ? > ડો.આર.સી.કશ્યપ , EMO 

અન્ય સમાચારો પણ છે...