વધુ એકની ધરપકડ:વાલિયામાં ગણેશ સુગરના 85 કરોડના કૌભાંડમાં પૂર્વ ચેરમેન બાદ પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજરની ધરપકડ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જયવીરસિંહ રાઠોડની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા
  • પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા હાલ જામીન ઉપર મુક્ત છે

વાલિયા વટારીયા સ્થિત ગણેશ સુગર ફેકટરીના રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડમાં પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની અગાઉ ધરપકડ બાદ ભરૂચ LCBએ સુગરના પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજર જયવીરસિંહ રાઠોડની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

કોંભાંડની ફરિયાદ ગયા વર્ષે નોંધાઇ હતી
વાલિયાની ગણેશ સુગર ફેકટરીમાં પૂર્વ ચેરમેન સહિત 9 લોકોએ 85 કરોડની આર્થિક ઉચાપત કરી હોવાની ફરિયાદ ગત વર્ષે નોંધાઇ હતી. ગત વર્ષે દિવાળી પહેલા જ પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની ધરપકડ કરવામાં આવતા રાજકીય અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.

તપાસનો રેલો કર્મચારી સુધી પહોંચ્યો
હાલ પૂર્વ ચેરમેન જામીન ઉપર મુક્ત છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો તપાસનો રેલો ગણેશ સુગરના કર્મચારી સુધી પહોંચતા પુરાવાના આધારે ગણેશ સુગરમાથી ચાલુ ફરજ દરમિયાન માકેઁટીગ મેનેજર અને પરચેઝ ઓફીસર જયવિર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.

2 દિવસના રિમાન્ડ મેળવ્યા
વાલિયા કોર્ટમાં જયવીરસિંહને રજૂ કરી એલ.સી.બી.એ વધુ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડનો રેલો ક્યાં સુધી પહોંચે છે અને હજી આ કથિત કૌભાંડમાં સંડોવણી બદલ કેટલા લોકોની આમાં ધરપકડ થાય છે તેની ચર્ચા રાજકીય અને સહકારી ક્ષેત્રે હાલ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...