ચૂંટણી પહેલાં ખેડૂતોને ન્યાય:પુનગામના ખેડૂતો માલામાલ, 68.34 કરોડ વળતર મળશે

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરના પુનગામના ખેડૂતોએ તેમની જમીનના વળતર પેટે સન્માનજનક એવોર્ડ જાહેર થતાં ખુશી વ્યક્ત કરી હતી. - Divya Bhaskar
અંક્લેશ્વરના પુનગામના ખેડૂતોએ તેમની જમીનના વળતર પેટે સન્માનજનક એવોર્ડ જાહેર થતાં ખુશી વ્યક્ત કરી હતી.
  • વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનારા ખેડૂતોમાં નવી આશાનો સંચાર
  • ભરૂચના આર્બિટ્રેટરનો ચુકાદો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામના 34 ખેડૂત પરિવારો આર્બિટ્રેટરના ચુકાદાથી કરોડપતિ બની ગયાં છે. જમીનના વળતર મામલે ચાલી રહેલી કાયદાકીય લડતમાં ભરૂચના આર્બિટ્રેટર અને જિલ્લા કલેકટરે પુનગામના 34 ખેડૂત પરિવારોને તેમની જમીનના પ્રતિ એકરના વ્યાજ સહિત 1.67 કરોડ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો છે.

ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જિલ્લાના 33 ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરીટીએ નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના ખેડૂતોની જમીન ઉંચા ભાવે સંપાદિત કરી હતી જયારે ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન કોડીના ભાવે ખરીદવાની પેરવી કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. એકસપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનારા ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ન્યાય માટે સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ તથા આર્બિટ્રેટરની કોર્ટમાં રાવ નાંખી હતી.

ખેડૂતોની લાંબી લડત બાદ અહીંના ખેડૂતોને ચાર ગણું વળતર આપવા માટે કોર્ટે આદેશ પણ કર્યો છે. જમીન વળતરના ગુંચવાયેલાં મામલામાં ભરૂચ કલેકટર અને આર્બિટ્રેટર ડૉ. તુષાર સુમેરાએ અંકલેશ્વરના પુનગામના 34 ખેડૂતોએ કરેલાં કેસનો ચુકાદો આપ્યો છે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર 1.67 કરોડ રૂપિયા ચુકવવા માટે નેશનલ હાઇવે ઓથોરીટીને આદેશ કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોને અન્ય લાભો પણ ચુકાદાના કારણે પ્રાપ્ત થશે. પુનગામના 34 ખેડૂત પરિવારોને 40.90 એકર જમીનના 68.34 કરોડ રૂપિયા મળશે.

ખેડૂતોના વિરોધનું મુખ્ય કારણ...
- જંત્રીમાં ઘણી વધારે કહી શકાય તેવી વિસંગતતા
- બૌડામાં સમાવિષ્ટ ગામોમાં 50 ટકા વળતર કાપી લેવાયું
- સુરત, વલસાડ અને નવસારીમાં વધારે વળતર અપાયું

પરિણામ મળ્યું તે મહત્વનું છે
ભરૂચના 33 ગામના ખેડૂતો વળતર માટે લડત ચલાવી રહ્યાં છે તેમાં તેમને મહત્વની સફળતા મળી છે. સરકારનો ચૂંટણીલક્ષી નિર્ણય હોઇ શકે પણ તેમાં પડવા કરતાં પરિણામ મળ્યું તે મહત્વનું છે. પ્રતિ ચોરસ મીટર 142ના બદલે 660 રૂપિયાનો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી છે. > રણજીત ડાભી, ખેડૂત આગેવાન

ભાજપ તથા સરકારને ચૂંટણી પહેલાં ખેડૂતોની નારાજગી નડી શકે છે
ભરૂચ જિલ્લામાં ભાડભુત બેરેજ, એકસપ્રેસ હાઇવે, હાઇ સ્પીડ ટ્રેન, રેલવે ફ્રેઇટ કોરીડોર સહિતના પ્રોજેકટ ચાલી રહયાં છે. જેમાં જમીન ગુમાવનારા ખેડુતો યોગ્ય વળતર મળી રહે તે માટે 2017થી લડત ચલાવી રહયાં છે. વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવેમાં 33 ગામોના 1,300 કરતાં વધારે ખેડુતોની જમીન સંપાદિત થઇ છે ત્યારે તેમની નારાજગી વર્તમાન સરકાર તથા ભાજપને પોષાય તેમ નથી. રાજયમાં વિધાનસભાની ચુંટણી જાહેર થવાની છે તેવામાં જ આર્બિટ્રેટરનો ચુકાદો આવ્યો છે.

નેશનલ હાઇવે ઓથોરિટી પર મદાર
વડોદરા અને મુંબઇ એકસપ્રેસ વે મહત્વનો માર્ગ છે અને જો નેશનલ હાઇવે ઓથોરિટીએ પ્રોજેકટ પુરો કરવો હશે તો આર્બિટ્રેટરના ચુકાદા સામે અપીલ નહિ કરે અને પ્રોજેકટ પુરો નહિ કરવો હોય તો અપીલ કરશે. અમારા ખેડૂતો તો ચુકાદાથી ખુશ છે. > નિપુલ પટેલ, ખેડુત આગેવાન

જમીનના ભાવ ઓછા આપવામાં આવ્યાં
અમારા ગામના 50 ખેડૂતોને ઓછો ભાવ અપાયો છે. શહેરની નજીક આવેલું હોવા છતાં અમારા ગામની જમીનોની કિમંતો ઓછી આંકવામાં આવી છે. પુનગામના ચુકાદા બાદ અમને પણ સારૂ વળતર મળે તેવી આશા છે. > ફરીદબાવા સૈયદ, ખેડૂત

ખેડૂતોના હિત માટે છેક સુધી રજૂઆત કરી હતી
ભરૂચ જિલ્લાના ખેડૂતોને જમીનના બદલામાં અન્ય જિલ્લાના ખેડૂતો જેટલું વળતર મળે તે માટે જન પ્રતિનિધિઓ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મળી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં આજે ખેડૂતોને તેમની ઇચ્છા પ્રમાણે વળતર મળ્યું છે. નેશનલ હાઇવે ઓથોરીટી પણ આ ચુકાદાના સ્વીકારે તે માટે પણ અમારા પ્રયાસો ચાલુ છે. > મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા પ્રમુખ, ભાજપ

અન્ય સમાચારો પણ છે...