લંડનના વિઝા અપાવવા મામલે ભરૂચ, પેટલાદના વિઝા એજન્ટો છેતરાયા હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધવાઈ છે. ફરિયાદી દીપ્તીબેન મહેતા ભરૂચની લિંક રોડ ઉપર આવેલી યોગી ટાઉનશીપમાં રહી વિઝા એજન્ટ તરીકે વર્ષોથી કામ કરે છે. તેમના સંપર્કમાં પુના ખાતે વરૂનિષ્કા ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડની સ્નેહા સંદીપ જોગલેકર આવી હતી. ભરૂચની મહિલા એજન્ટ પુના જઇ ઠગ સ્નેહા જોગલેકરની વિઝા એજન્સી રજીસ્ટર્ડ ફર્મ હોવાની ચકાસણી કરી આવી હતી.
સાથે જ તેઓ કેનેડા અને યુ.કે.ના રૂ. 8 લાખમાં કન્ફર્મ વિઝા અપાવતા હોવાનું તેમજ વિઝા મળ્યા બાદ પેમેન્ટ લેતા હોવાની ખાતરી કરી લીધી હતી. જેના બાદ ભરૂચ આવી યુ.કે.ના રૂ. 8.50 લાખમાં ગેરેન્ટેડ વિઝાની જાહેરાત આપી હતી. દીપ્તીબેનના સંપર્કમાં રહેલા ભરૂચ અને પેટલાદના 4 એજન્ટ આવ્યા હતા. તેમણે દીપ્તીબેનને 8 લોકોની ફાઈલ, પાસપોર્ટ આપતાં પુનાની સ્નેહાએ યુ.કે.ના ટાયર ફાઈવ ચેરિટી વિઝાની કામગીરી ઓક્ટોબર 2021માં શરૂ કરી હતી. 27 જાન્યુઆરી, 2022માં 8 લોકોના વિઝા અને ટિકીટ આવી જતાં પુનાની એજન્ટને ભરૂચના દીપ્તીબેને રૂ. 66.45 લાખ અલગ અલગ રીતે આપી દીધા હતા.
હવે યુ.કે.ના સપના જોનારા 8 લોકોને મુંબઈ, ઓમાન અને યુ.કે. એરપોર્ટ પર પહોંચતા તે તમામના વિઝા બોગસ હોવાથી પરત મોકલી દેવાયા હતા. આ અંગે અન્ય એજન્ટો, વિઝા ઇચ્છુકોએ સવાલોનો મારો ચલાવતાં પુનાના ઠગને વાત કરતા તેણે વાયદાઓ ઉપર વાયદા આપી નાણાં પરત નહિ કરતા દીપ્તીબેન મહેતાએ રૂ. 66.45 લાખની યુ.કે.ના વિઝાના નામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.