ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર બનેલા નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અગાઉ બહાર પાડવામાં આવેલાં જાહેરનામાને 5 ડીસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા. જેના પગલે એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર દ્વારા આગામી 25 મેથી બ્રિજ પર તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. હવે તબકકાવાર આ જાહેરનામાને લંબાવવામાં આવી રહયું છે. નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ તેના પરથી એસટી બસોને જવાની પરવાનગી આપવામાં આવી હતી પણ એસટી બસોની સાથે ખાનગી લકઝરી બસો અને ટ્રકો પણ પસાર થવા લાગતાં અકસ્માતના બનાવો વધી ગયાં હતાં. અકસ્માતો વધી જતાં ભરૂચ અને અંકલેશ્વરવાસીઓમાં રોષ ફેલાયો હતો.
જન આક્રોશ સામે ઝુકેલી સરકારે નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો સહિત તમામ ભારદારી વાહનોની અવરજવર બંધ કરાવી દીધી છે. બીજી તરફ સાંજે પીક અવર્સમાં ભરૂચમાં નર્મદા ચોકડી, એબીસી ચોકડી, કોલેજ રોડ, અંકલેશ્વરમાં મહાવીર ટર્નીગ, વાલિયા અને પ્રતિન ચોકડી ઉપર ટ્રાફિકજામ સર્જાતો હતો. ભારદારી વાહનોની અવરજવર બંધ થઇ જતાં આ સમસ્યા પણ હળવી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.