હાંસોટ માર્ગ ઉપર ઓલપાડના લેબર કોન્ટ્રકટર પાસે લિફ્ટ માંગી બંધક બનાવી ચલવાયેલી લૂંટમાં LCB અને હાંસોટ પોલીસે 3 લૂંટારુંને કાર સાથે ઉઠાવી લીધા છે. હાંસોટના ઓભા અને પાંજરોલી ગામ વચ્ચે પાંચ દિવસ પેહલા સાંજના સુમારે ઓલપાડના મોર ગામે રહેતા અશોક મનસુખ બામણિયા કાર લઈ ગંધાર જતા હતા. લેબર કોન્ટ્રકટરને બાઇક ઉપર આવેલા 3 શકશોએ રોકી લિફ્ટ માંગી હતી. જેમાં બંધક બનાવી કાર, એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી રસ્તા ઉપર ફેંકી ફરાર થઇ ગયા હતા.રૂપિયા 5.54 લાખની લૂંટની આ ઘટનાની તપાસ ભરૂચ LCB પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ PSI પી.એમ.વાળા, જે.એન.ભરવાડ અને હાંસોટ PSI પી.એમ.દેસાઈએ ટીમો બનાવી શરૂ કરી હતી.હાઇવેની હોટલો, ઢાબાઓ સહિતના વિસ્તારોમાં સ્થળ તપાસ, CCTV ચેકીંગ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમો 4 દિવસથી લૂંટનો ગુનો ડિટેકટ કરવા કામે લાગી હતી. આ દરમિયાન લૂંટમાં ગયેલી સફેદ રંગની વેન્ટો કાર સુરતના અમરોલીમાં હોવાની બાતમી મળી હતી.લૂંટમાં ગેયેલી કાર સાથે ત્રણ આરોપીઓને હસ્તગત કરી લેવાયા હતા. પોલીસે કાર, રોકડા 6800, એરગન, 4 મોબાઈલ મળી 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.હાલ અમરોલી રહેતા આરોપીઓ ઋષિ રઘુ કળોતરા, ભરત ભનુ ઉર્ફે રાજુ મારૂં અને યોગેશ ઉર્ફે યોગી મનસુખ હેલૈયા લૂંટ પેહલા જે તે માર્ગ અને ભૌગોલિક વિસ્તારથી અવગત થતા હતા. જે બાદ બાઇક ઉપર ત્રણ સવારી નીકળી એકલ ડૉકલ જતા વાહનોને નિશાન બનાવતા. લિફ્ટના બહાને વાહન ઉભું રાખી એરગન બતાવી બંધક બનાવી લૂંટીને ફરાર થઇ જતાં હતાં.જોકે આરોપીઓની અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIP ની કોઈ બેગ નહિ હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે સુટકેશમાં રોકડા 3 લાખને લઈ ફરિયાદી લેબર કોન્ટ્રાકટર પણ હાલ શંકાના ઘેરામાં આવ્યો છે. આ અંગે પોલીસે ઉલટ તપાસ સાથે ઝડપાયેલા 3 લૂંટારુંઓના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.