પોલીસ સર્તક:મિથેનોલ વપરાશકર્તા 350 યુનિટ પર પોલીસ તંત્રની નજર

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિથેનોલની ઉત્પાદક કંપનીઓ કરતાં વપરાશકાર કંપનીઓની સંખ્યા વધારે - Divya Bhaskar
મિથેનોલની ઉત્પાદક કંપનીઓ કરતાં વપરાશકાર કંપનીઓની સંખ્યા વધારે
  • જિલ્લાની સાત જીઆઇડીસીમાં 2,000 કરતાં વધારે ઉદ્યોગો
  • મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવા સંચાલકોને સૂચના

બોટાદમાં થયેલાં લઠ્ઠાકાંડ બાદ મિથેનોલ નામનું કેમિકલ ચર્ચાની એરણે ચઢયું છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લામાં મિથેનોલનો વપરાશ કરતાં 350 જેટલા યુનિટ અને પંપો ઉપર પોલીસ નજર રાખી રહી છે. દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં જ બોટાદમાં લઠ્ઠાકાંડ થયો છે. દેશી દારૂના બુટલેગરોએ નશેબાજોને દારૂના બદલે સીધું કેમિકલ પીવડાવી દેતા તેમના ટપોટપ મોત થયાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમદાવાદની એક કંપનીમાંથી મિથેનોલનો જથ્થો બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતાં આ લઠ્ઠાકાંડ થયો હોવાનું તારણ સામે આવ્યું છે.

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લામાં કેમિકલનું ઉત્પાદન કરતાં અનેક કારખાનાઓ આવેલાં છે ત્યારે પોલીસ સર્તક બની છે. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, દહેજ અને ઝઘડીયા જીઆઇડીસીમાં ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે એવા 350 જેટલા યુનિટ અને પંપ શોધી નાંખ્યાં છે કે જેમાં મિથેનોલનો વપરાશ થાય છે.

એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કરતી ફેકટરીઓ નહિવત છે પણ તેનો વપરાશ કરતી કંપનીઓ વધારે છે. મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓને મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની કંપનીઓ તેમની જરૂરીયાત પ્રમાણે મિથેનોલ મંગાવતી હોય છે.

અંકલેશ્વરમાંથી ડ્રગ્સની ફેકટરીઓ ઝડપાઇ ચૂકી છે
અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાંથી અગાઉ ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેકટરીઓ ઝડપાય ચુકી છે. ડ્રગ્સ માફીયાઓએ ઇન્ડસ્ટ્રીયલ શેડ ભાડે રાખી તેમાં જ નશાકારક દવાઓનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું. નશાકારક દવાઓ બનાવવા માટેનું કેમિકલ સરળતાથી મળી રહેતું હોવાથી ડ્રગ્સ માફીયાઓએ આ રસ્તો અપનાવ્યો હતો. બંને જીઆઇડીસીમાં અનેક વખત નાર્કોટીક્સ બ્યુરોની ટીમ દરોડા પાડી ચુકી છે.

કંપનીઓએ સ્ટોકની વિગતો રાખવી પડશે
ભરૂચમાં મિથેનોલનો વપરાશ કરતાં 350થી વધારે યુનિટ અને પંપ હોવાનું જાણવા મળ્યું છે. મિથેનોલનું વેચાણ તથા સંગ્રહ કરતા યુનિટ અને પંપના સંચાલકોને જથ્થાની માહિતી રાખવા સુચના આપી છે. પોલીસ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકીંગ કરશે અને કોઇ ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. મિથેનોલનો દુરઉપયોગ રોકવા પુરતી તકેદારી રાખી રહયાં છે. - ડૉ.લીના પાટીલ, એસપી, ભરૂચ

બૂટલેગરોનો નવો કીમિયો જીવલેણ સાબિત થયો
રાજયમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવતાં બુટલેગરોએ નવો કિમિયો અજમાવ્યો હતો. દેશી દારૂના નામે ઝેરી કેમિકલ નશેબાજોને આપી રોકડી કરી લેેવાનો રસ્તો બુટલેગરોએ અપનાવ્યો હતો જે જીવલેણ સાબિત થયો છે.

મિથેનોલની ચોરી રોકવી પોલીસ માટે પડકાર
મિથેનોલ કેમિકલનું બાષ્પીભવન થતું હોવાથી તેની તસ્કરી માટેનું મોકળું મેદાન મળી રહેતું હોવાનું જાણકારો જણાવી રહયાં છે. મિથેનોલનો જથ્થો મેઇટેન કરાવવો પોલીસ માટે એક પડકાર બન્યો છે. હાલ તો પોલીસ આ બાબત પર ઝીણવટભરી નજર રાખી રહી છે. મિથેનોલના સ્ટોક બાબતે ગેરરીતી ન થાય તે માટે તજજ્ઞોની મદદ પણ લેવામાં આવશે.

કેમિકલનું વહન કરતા ટેન્કરો ઉપર વોચ રખાશે
ભરૂચ જિલ્લામાં આવેલી જીઆઇડીસીના ઉદ્યોગો અનેક પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરતાં હોય છે. કિમંતી કેમિકલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતી વેળા ડ્રાયવરોની મિલિ ભગતથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હોય છે. બોટાદના લઠ્ઠાકાંડમાં મિથેનોલ નામનું કેમિકલ જવાબદાર હોવાથી હવે મિથેનોલનું વહન કરતાં ટેન્કરો અને વાહનો પણ પોલીસની રડારમાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...