ચૂંટણી બહિષ્કારની ચીમકી:ઓરી ગામના લોકો ભારદારી વાહનો બંધ કરાવવા માટે મકકમ

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય પક્ષોની શાન ઠેકાણે લાવવા ચૂંટણી બહિષ્કારની ચીમકી

એક તરફ ચૂંટણી પંચ લોકશાહીના અવસર અને લોકશાહીનો રથ ફેરવી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ નેતાઓ અને રાજકીય પક્ષોથી અસંતુષ્ટ એવા લોકોએ ચૂંટણીનું સંપૂર્ણ બહિષ્કાર કરી રાષ્ટ્રીય પક્ષોને અને નેતાઓની શાન ઠેકાણે લાવવા ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

બે દિવસ અગાઉ નર્મદા જિલ્લાના રાજપીપળા નગરના રોહિતવાસ વિસ્તારમાં એવા પોસ્ટર લાગ્યા હતા કે, અમારા વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ કે નેતાએ પ્રચાર કરવા માટે આવું નહીં કારણ કે અમારી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવતું નથી. સમસ્યાઓ છે ગટર અને કચરા જેવી સામાન્ય પરંતુ એવા નાના કામો કરવામાં પણ સત્તાધારીઓ નિષ્ફળ જાય ત્યારે પ્રજાનું સંયમ તૂટી જાય છે. ત્યારે જિલ્લાના ઓરી ગામના ગ્રામજનોએ ભેગા થઈને ચૂંટણી અને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.

તેઓએ જણાવ્યું કે, તેમના ગામ આગળથી પસાર થતાં રસ્તા ઉપરથી સિસોદ્રા ગામે આવેલી રેતીની લીઝના ભારદાર વાહનો પસાર થતા હોવાને કારણે રોડ રસ્તા પર એક એક ફૂટ જેટલા ખાડા પડી રહ્યા છે અને આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતી રહે છે. જેના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને વારંવાર નાના મોટા અકસ્માતો થાય છે.

તેઓની માંગણી છે કે, મોટા અને ભારદારી વાહનોના બદલે મધ્યમ કક્ષાના વાહનો મધ્યમ નિયત મર્યાદામાં રેતી ભરીને જાય અને સાંજના છ કલાક પછી રેતીના વાહનોની અવરજવર બંધ થઈ જાય. જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો, તેઓ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે એવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા લોકો પણ બહિષ્કારનું શસ્ત્ર ઉગામી રાજકીય પક્ષો અને નેતાઓની સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...