પાણી પીવાનું એક માત્ર સ્થળ તળાવ:નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચના મહેગામના લોકો તળાવનું પાણી પીવા મજબૂર, તંત્ર મૌન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નપાણીયા નેતાઓના પાપે નર્મદા કાંઠાના ગામો જ તરસ્યા
  • પૂણ્ય સલીલ તરીકે પ્રસિદ્ધ નર્મદા કિનારે આવેલું ગામ હોવા છતાં મીઠા પાણી માટે ગ્રામજનોને વલખાં, લોકો- પશુઓના પીવાના પાણીનું એક માત્ર સ્થળ તળાવ
  • સરકારની સ્વામીત્વ યોજનાનો સરવે કરવા મહેગામમાં ગયેલી ટીમનો પાણી વિના ટળવળતા ગ્રામજનોએ વિરોધ કરી સરવે અટકાવ્યો હતો

ભરૂચ તાલુકાના મહેગામ ખાતે કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલી ટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી પાણી નહિ તો સર્વે નહિ તેવી માંગ ઉઠાવી હતી. ગામની મહિલાઓએ ગામના લોકો આજે પણ પાણી વિના વલખા મારતા હોવાની ફરિયાદ ઉઠાવી હતી.

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરાઈ રહી છે. જ્યારે બીજી બાજુ ભરૂચ તાલુકાનું મહેગામ ગામ આજે પણ પાણી માટે ગુલામી જેવી અવસ્થામાં જીવે છે. આઝાદીના ૭૪ વર્ષ થવા છતાં સરકાર હજી આ ગામમાં પાણી પહોંચાડી શકી નથી. નર્મદા કાંઠે વસેલું મહેગામ આજે પાણી માટે વલખા મારે છે.

આજે પણ આ ગામમાં મહિલાઓને ગામના તળાવમાંથી પાણી ભરીને લાવવા પડે છે. સરકારે પાંચ વર્ષ પહેલાં પાણી પુરવઠાની યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પાઇપ લાઇન નાખી છે. પરંતુ તેમાં પાણીનું એક ટીપું ગામને મળ્યું નથી. આ લાઈનો આજે પણ કોરી કટાક છે. કારણ કે સરકારે પાઇપ લાઇન તો નાખી પણ તેમાં પાણી આપ્યું નથી.

પાણી વિના ટળવળતા ગ્રામજનોએ અને મહિલાઓના ટોળાએ તાજેતરમાં જ સરકારની એક યોજનામાં ગામનો સર્વે કરવા ગયેલી ટીમ ને ગામની મહિલાઓએ આડે હાથ લઈ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ સરકારની ટીમ મહેગામ ખાતે પહોંચી હતી અને ગામની મિલકતો તથા જમીનોની ડ્રોન મારફત સર્વે કરવાની કામગીરી હાથ ધરવાની શરૂઆત કરી હતી. જેની સામે ગ્રામજનોએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો. ગ્રામ પંચાયતે પણ જ્યા સુધી ગામની પાણીની સમસ્યા હલ નહિ થાય ત્યાં સુધી સરકારની યોજના હેઠળના સર્વેનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે.

રિલાયન્સની પાઈપ લાઈનમાં પંક્ચર કરીને પાણી મેળવવું પડે છે
આઝાદીથી અત્યાર સુધી કોઈ સરકારે મહેગામમાં પાણી પહોંચાડ્યું નથી. વર્ષીથી આ ગામ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી રજૂઆતો કરી છે. પણ સમસ્યાનો અંત આવતો નથી. ગામ લોકોએ ના છૂટકે રિલાયન્સની પાણીની લાઈનમાં પંક્ચર કરી પીવાનું પાણી મેળવવું પડે છે. પરંતુ આ સમસ્યાનું નિવારણ નથી. સરકારે આ ગામને પાણી પૂરું પાડવું જોઈએ. > નટવરસિંહ ગોહિલ, ડે. સરપંચ- મહેગામ.

તળાવના પાણીનો પીવામાં ઉપયોગ !
મહેગામની મહિલાઓ ગામના તળાવમાંથી ધોમ ધખતા તાપમાં પાણી ભરીને લાવે છે. આ પાણીનો ઘરમાં વપરાશ કરવા ઉપરાંત પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગામ તળાવનું પાણી પીવા લાયક છે કે નહીં તે તો તેનું કોઈ પ્રકાસે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું નથી. જો તેનું યોગ્ય લેબ ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે જ સાતી ખબર પડે કે પાણીની ગુણવત્તા કેવી છે. આજે તળાવનું દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ચોક્કસ ખતરો તો છે જ તેવું ગ્રામજનોનું માનવું છે.

નર્મદા કાંઠે વસેલ ગામો આજે પણ તરસ્યા
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે. જોકે, તેમાં ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠે વસતા ગામો અપવાદ છે. નર્મદાના પાણી છેક કચ્છ અને સૌરાષ્ટ્રની જનતાની તરસ છીપાવે છે. ખેડૂતોને સિંચાઈનું પાણી પુરૂં પાડે છે. પરંતુ ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે વસતા અનેક ગામો આજે પણ નર્મદાના પાણી વિના તરસે છે. ભરૂચ અને વાગરા તાલુકાના ગામો પાસેથી પસાર થતી નર્મદાના પાણી દરિયાની ભરતીના કારણે પીવા લાયક રહ્યા નથી. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ પીવા લાયક નથી.

નર્મદા કાંઠે વસતા હોવા છતાં મહેગામ જેવા અનેક ગામના લોકો નર્મદાના મીઠા જળ વિના વલખા મારે છે. કારણ કે સરકારે કચ્છની તરસ મિટાવવા ત્યાં પાણી પહોંચડ્યું પણ મહેગામ સહિતના જિલ્લાના અનેક ગામો સુધી આ પાણી નથી પહોંચાડ્યા. જેના કારણે લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...