ચૂંટણીનો બહિષ્કાર:વાલિયા તાલુકાનાં કેશરગામના લોકોએ પુલ તેમજ પ્રાથમિક સુવિધા ન હોવાથી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • આ પહેલા પણ અન્ય ચૂંટણીઓનો બહિષ્કાર કરી ચૂક્યા છે ગામના લોકો
  • ગ્રામજનોએ નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી, કોઈ ઉકેલ ન આવ્યો
  • પુલના અભાવે ચાર ગામ ફરીને 20 કિલો મીટરનું અંતર કાપી લોકોએ જવું પડે છે

સમગ્ર જિલ્લામાં આજે પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભરૂચના વાલિયા તાલુકાનાં કેશરગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓ તેમજ કીમ નદી પર પૂલ ન હોવાથી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા પણ ગામના લોકો અન્ય ચૂંટણીઓનો બહિષ્કાર કરી ચૂક્યા છે.

છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેશરગામ ગામના આગેવાનો પ્રાથમિક સુવિધાઓના અભાવે તેમજ કીમ નદી પર પુલ બનાવવાની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી રહ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર કેશરગામના બાળકોને જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે ઈટકલા ગામની શાળા ખાતે ચોમાસામાં જવું પડતું હોય છે.

બંને ગામ વચ્ચે પુલના અભાવે ચાર ગામ ફરીને 20 કિલો મીટરનું અંતર કાપીને લોકોએ જવું પડી રહ્યું છે. ત્યારે જ્યાં સુધી પુલ અને પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે. જેના પછી આજે રવિવારે અગાઉની ચૂંટણીઓની જેમ જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન નહીં કરી 350 જેટલા મતદારોએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...