ભરૂચ શહેર જિલ્લામાં હજી ચોમાસાની જમાવટ થઇ નથી. વિવિધ તાલુકાઓમાં સામાન્ય ઝાપટાં જ પડી રહ્યાં છે. ત્યારે રાત્રીના કે વહેલી સવારના સમયગાળામાં વરસાદી ઝાપટા પડી ગયાં બાદ લોકો આખો દિવસ બફારા અને ઉકળાટથી પરેશાન થઇ ગયાં છે. મંગળવારે માત્ર ભરૂચ, ઝઘડિયા, વાગરા અને વાલિયામાં જ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે, આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભરૂચ શહેર જિલ્લામાં જૂન મહિનાના અંતિમ દિવસો હોવા છતાં ચોમાસાની ઋતુ હજી જામી નથી. જિલ્લામાં છેલ્લાં પખવાડિયાથી છુટાછવાયા અને સામાન્ય ઝાપટા પડી રહ્યાં છે. તો ક્યારેક માત્ર ઝરમરિયા થઇ વરસાદ જતો રહે છે. જેના કારણે હાલમાં માત્ર જમીન ભીંજાય તેવો જ વરસદ વરસ્યાં બાદ બંધ થઇ જતાં બપોર બાદ સ્થિતી વધુ વિકટ બની જાય છે.
બપોરના સમયે તડકાને કારણે કે વાદળવાછાયાં વાતાવરણ વચ્ચે પવન નહીં ફૂકાવાને કારણે બફારા અને ઉકળાટથી લોકો પરેશાન થઇ ગયાં છે. આજે સોમવારે ભરૂચ જિલ્લમાં માત્ર ચાર જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં ભરૂચમાં 8 મીમી, વાગરામાં 3 મીમી, વાલિયામાં 2 મીમી તેમજ ઝઘડિયામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.