લોકોમાં ભય:ભરૂચમાં ફૂટપાથ પર વાહનોનું પાર્કિંગ કરી દેવાતાં રાહદારીઓને માથે જોખમ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાહદારીઓ માટે બનાવાયેલા ફૂટપાથ પર વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. - Divya Bhaskar
રાહદારીઓ માટે બનાવાયેલા ફૂટપાથ પર વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.
  • દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે વધી રહેલાં અકસ્માતના બનાવોને પગલે લોકોમાં ભય

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી મઢુલી ચોકડી પાસે વધી રહેલાં અકસ્માતો બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવેલાં ફુટપાથ પર સ્કુટરો પાર્ક કરી દેવામાં આવતાં હોવાથી રાહદારીઓને જીવના જોખમે રસ્તા પરથી ચાલવું પડે છે જેમાં તેમને વાહનની ટકકર લાગવાનો ખતરો રહેલો છે.

નર્મદા ચોકડીથી દહેગામ સુધીના દહેજ બાયપાસ રોડને સેફ કોરીડોર તરીકે વિકસાવવામાં આવ્યો છે. 10 કીમીથી વધારેના બાયપાસ રોડ પર દીન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને દહેજની કંપનીઓમાંથી કર્મચારીઓને લાવતી અને લઇ જતી લકઝરી બસોની સંખ્યા એકદમ ઝડપથી વધી છે. ત્રણ દિવસ પહેલાં મઢુલી સર્કલ પાસે લકઝરી બસે આગળ ચાલી રહેલી બાઇકને ટકકર મારી હતી. જેમાં 6 વર્ષીય બાળકીનું મોત થયું હતું જયારે તેની માતા અને દાદાને ઇજા પહોંચી હતી. મઢુલી ચોકડી પાસે વધી રહેલાં અકસ્માતોના કારણે સ્થાનિકોમાં રોષની સાથે ભય પણ જોવા મળી રહયો છે.

ભરૂચની મઢુલી ચોકડી દહેજ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓની લકઝરી બસોનું સ્ટેન્ડ બની ગઇ છે. રોજની સેંકડો લકઝરી બસો અહીંથી અવરજવર કરતી હોય છે. દહેજની કંપનીઓમાં જતાં કર્મચારીઓ તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતાં હોય છે. રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવેલાં ફુટપાથ ઉપર પણ વાહનોનું પાર્કિંગ જોવા મળી રહયું છે. ફુટપાથ ઉપર વાહનો પાર્ક કરી દેવામાં આવતાં હોવાથી રાહદારીઓને જીવના જોખમે મુખ્ય રસ્તા પર ચાલવું પડતું હોય છે. આ બાબતે સ્થાનિક રહીશોએ એસપી સહિતના અધિકારીઓની રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...