કાર્યકરોમાં રોષ:રાજ્યના નવા મંત્રીમંડળમાં ભરૂચ જિલ્લાની બાદબાકી, સાંસદે સોશિયલ મીડિયામાં વેદના ઠાલવી

ભરૂચ/રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વખત વિધાનસભાનું અધ્યક્ષ પદ શોભાવી ચૂકેલા MLA દુષ્યંત પટેલ માટે ફરી અધ્યક્ષ બનવાની આશા જીવંત
  • નો-રિપિટ થિયરી અપનાવી ભાજપની વિધાનસભાની 2022ની ચૂંટણીમાં જીત મેળવી રિપિટ થવાની ગણતરી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ રાજ્યના 17માં મુખ્યમંત્રી CM તરીકે ભારે સસ્પેન્સ બાદ સરપ્રાઈઝ તરીકે ભુપેન્દ્ર પટેલને બનાવાયા હતા. ભુપેન્દ્ર પટેલની ટીમમાં સીઆર પાટીલની નો-રિપીટ થિયરી અપનાવી સિનિયર મંત્રીઓને કાપી નવા ચહેરાઓને તક આપી છે. નો-રિપિટ થિયરી અપનાવી ભાજપે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં જીત મેળવી રિપિટ થવા માંગે છે. હાલના મંત્રી મંડળની રચનાને લઈને રાજ્યમાં ખુશી કરતા નારાજગી વધુ દેખાઈ રહી છે. જે આગામી દિવસોમાં ભાજપને ભારે નહિ પડે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

દર વખતે જેમ નર્મદાના પાડોશી વડોદરાને મંત્રીપદ નહોતું મળતું. નવા મંત્રી મંડળમાં ભરૂચની બાદબાકી કરવામાં આવતા જિલ્લાના લોકોમાં નારાજગી જોવા મળી છે. કાર્યકરોએ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતા મંત્રીમંડળની જાહેરાત થાય તે પહેલા સાંસદે સોશિયલ મીડિયામાં ભરૂચ જિલ્લાને પણ તક મળે તે માટે અપીલ કરી હતી પરંતુ ભરૂચના ધારાસભ્યોનો સમાવેશ ન થતા સાંસદે નારાજગી વ્યક્ત કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટીમમાં ભરૂચમાંથી ઈશ્વરસિંહ પટેલ સહકાર અને રમત ગમત મંત્રી હતા. તેઓ પણ નવી ટીમમાંથી બાકાત રહ્યા છે. જો નો-રિપીટ થિયરી હોય તો પણ દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા સિનિયર ધારાસભ્યો છે. તેમને એકપણ વખત મંત્રીપદ મળ્યું નથી. આ વખતે પણ તક ન મળતાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે.

દુષ્યંત પટેલ રમતગમત ક્ષેત્રના સારા જાણકાર અને સિનિયર, મંત્રીની રેસમાં છેલ્લે સુધી નામ ચાલતું રહ્યું
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. તેઓ મંત્રીપદ માટે પ્રબળ દાવેદારની રેસમાં હતાં. પોતે રમતગમત ક્ષેત્રના સારા જાણકાર છે અનેે ગૃહ, ફાયનાન્સ, શિક્ષણ, રમતગમત ખાતમાં ફિટ બેસે તેમ હોવા છતાં તેમને પડતાં મૂકવામાં આવ્યા છે. ભરૂચના સિનિયર અને અનુભવી ધારાસભ્ય માટે હજી વધુ એક આશા વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ ખરી જ. તેઓ હાલ આ હોદ્દા માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યાં છે. એકમાત્ર અધ્યક્ષપદની જગ્યા માટે આશા જીવંત રહી છે.

અરૂણસિંહ રણાની સહકાર ક્ષેત્રે જિલ્લામાં મજબૂત પકડ હોવા છતાં પડતા મૂકાયાં
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સિનિયર ધારાસભ્ય છે. તેઓ ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં જ્યારથી તેમણે ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી બેન્કની શાખ ઉપર આવી. લોકોમાં બેન્ક પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સભાસદોને વાર્ષિક ડિવિડન્ડ પણ સારું આપી રહ્ચાં છે. સહકારી ક્ષેત્રે તેઓનું આગવું યોગદાન ભરૂચ અને નર્મદા જિલ્લામાં વર્ષોથી હોવા છતાં તેમને પડતાં મુકાયાં છે.

તમામ લોકસભાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું, ભરૂચ જ બાકાત?
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિથી માંડીને રાજકીય રીતે પણ આગળ પડતો જિલ્લો છે. અહીં કોંગ્રેસ, બીટીપી અને અલગતાવાદી તત્વોની સામે લડતા આવ્યા છીએ.ભાજપના દરેક કાર્યકર્તાઓને અપેક્ષા હતી કે ભરૂચમાંથી કોઈ એક ધારાસભ્ય મંત્રી બને. પણ તેમ ન થયું અને જિલ્લામાંથી એકપણ ધારાસભ્યને મંત્રીપદ ન મળતાં કાર્યકરો દુઃખી છે. કાર્યકરોની લાગણી સાથે હું પણ જોડાયેલો છું અને મને પણ આ સંદર્ભે નારાજગી છે. બધા જ લોકસભા મતવિસ્તારમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. માત્ર ભરૂચને જ બાકાત કરવામાં આવ્યું. નો રિપિટ થિઅરીમાં ઈશ્વરભાઈને ભલે સ્થાન ન મળ્યું પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પણ ખૂબ સિનિયર ધારાસભ્ય છે. જેઓ ખૂબ હોંશિયાર અને અનુભવી હોવા સાથે ચોક્કસ વિઝન સાથે ચાલે છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહકારી આગેવાન હોવા સાથે સિનિયર ધારાસભ્ય છે. જિલ્લાના સાંસદ તરીકે મનદુઃખ થાય છે. ભરૂચને એક પ્રતિનિધિત્વ આપવું જોઈતું હતું. > મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...