રોગચાળો:ભરૂચ જિલ્લામાં વાયરલ ઈન્ફેક્શનનો વાવર, સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં બે ગણો વધારો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે વરસાદ અને દિવસે બફારાથી બેવડી ઋતુને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં ઉછાળો
  • જિલ્લાની સૌથી મોટી એકમાત્ર સરકારી હોસ્પિટલમાં એક દિવસમાં 250થી વધુ દર્દીઓ સારવાર માટે નોંધાયા

ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અને પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણને લીધે તથા પાણીના ભરાવાના કારણે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. જેમાં ઘણા રોગો જીવલેણ પણ હોઈ શકે છે. તો ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે.

ભરૂચ શહેર જિલ્લાની વાત કરીએ તો કોરોના મહામારીના એકપણ કેસ નહીં નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે શહેરમાં દિવસે ગરમી અને સાંજ પછી ઠંડકની બેવડી સિઝન અને ભેજવાળા વાતાવરણથી વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થતાં જનરલ ફિઝિશિયન અને પીડીયાટ્રીશીયન ડોકટરોના ક્લિનિક અને સિવિલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીથી જોવા મળી રહ્યા છે. દરેક ઘરોમાં ભુલકાથી લઈને મોટી ઉંમરનાં એકથી બે વ્યક્તિ શરદી, ખાંસી, ભારે તાવ સાથે શરીર અને માથાનાં દુખાવાના ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતા વાયરલ ઇન્ફેકશનમાં પટકાતાં ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ છે.

જેથી આ સિઝનમાં સેલ્ફ મેડિકેશનને બદલે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી તેમજ એન્ટીબાયોટીક લેવાનું ટાળવાનું તબીબ જણાવી રહ્યાં છે. બેવડી ઋતુને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા કરતાં વાયરલ ઇન્ફેકશનના કેસમા ઉછાળો જોવા મળે છે. શહેરનાં ફેમિલી ફિઝિશિયન પાસે સવાર-સાંજની ઓપીડીમાં મોટી સંખ્યામાં વાયરલ ઇન્ફેકશનનાં દર્દીઓ જોવા મળી રહ્યાં છે.

બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરનો ખોરાક આપો
અમારા ક્લિનિકમાં છેલ્લા એક અઠવાડિયાથી વાયરલ ઇન્ફ્કેશનનાં ઘણા કેસો આવી રહ્યા છે. જેમાં બાળકોમાં મોટે ભાગે શરદી,ખાંસી, ભારે તાવ સાથે શરીર અને માથાનો દુખાવો જેવાં લક્ષણોના કેસો આવી રહ્યા છે. વાયરલ ફીવર અને પાણી જન્ય રોગોથી બચવા બાળકોને પોષણ મળી રહે તેવો ખોરાક જેવા કે વીટામીન સી,વિટામિન ડી અને મલ્ટી વિટામીન મળે અને ઘરે બનાવેલો ખોરાક ખવડાવવો જોઈએ,ફ્રૂટ્સ પણ સારા પ્રમાણ ખવડાવવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. - ડો.વિનીત.જી.પટેલ,એમડી,પીડિયાટ્રીશિયન,ભરૂચ.

ચોમાસા દરમિયાન ડેન્ગયુ,મેલેરિયા અને વાઇરલ ઈન્ફેક્શનના કેસ વધારે જોવા મળતા હોય છે
ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણથી શરદી-તાવ,ખાંસી અને શરીરના દુખાવા જેવા ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેકશન,ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યાં છે, અને દર ચોથા ઘરે 1થી 2 વ્યકિતને વાયરલ ઇન્ફેકશન જોવા મળે છે, આ રોગ એકથી બીજી વ્યક્તિમાં ફેલાવાની શક્યતા હોવાથી ઘરમાં બહાર દર્દીનાં ગાઢ સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ,માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ અને ઠંડો ખોરાક,ઠંડુ પાણી- પીણા ન પીવું,પોષ્ટિક ખોરાક, ફ્રૂટ્સ,ગરમ પાણી,સુપ, દૂધ, જેવાં પ્રવાહી વધુ માત્રામાં લેવું જોઈએ.સામાન્ય શરદી, ઉધરસ હોય તો પણ ઘરેલુ ઉપચાર કર્યા વગર પહેલા ડોકટરના માર્ગદર્શન હેઠળ સારવાર કરાવી જોઈએ. - ડો.દુષ્યંત વરિયા,એમ.ડી.ફિઝિશિયન,ભરૂચ.

વાઇરલ ઇન્ફેક્શનમાં કયા લક્ષણો જોવા મળે
વાઇરલ ઇન્ફેક્શનમાં સતત નાક ગળતી શરદી,ખાંસી, ભારે તાવ અને શરીર તેમજ માથામાં દુખાવો, ઝડપથી તાવ ન ઉતરવો,અશક્તિ લાગવી, ભૂખ ન લાગવી, વધુ પડતો થાક લાગવો, કેટલાક કિસ્સામાં ઝાડા થઈ જવા તેમજ પેટમાં દુ:ખાવો રહેવો જેવા લક્ષણો વાયરલ ઈન્ફેક્શનના હોય છે. સ્વચ્છતા સાથે પુરતી કાળજી લેવાથી આ રોગોથી બચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...