• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Our Government And Cabinet Are New, Teach Us Without Jumping, We Will Learn: Statement By Chief Minister Bhupendra Patel In Bharuch

ભૂલ થાય તો અમને લાફો ન મારતા...:ભરૂચમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બોલ્યા, અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે, અમારાથી પણ ભૂલો થશે, અમને શીખવજો

ભરૂચ17 દિવસ પહેલા
  • ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પીએમ કેર ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

ભરૂચમાં પીએમ કેર હેઠળ સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. તેમણે પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન અને અંકલેશ્વર રેવન્યુ કવાર્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે, અમારાથી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતાં, પણ શીખવજો, અમે શીખીશું.

કોરોનાકાળમાં ઓક્સિજનની અછતને કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવવા પડ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેર હેઠળ દેશમાં અલગ અલગ સ્થળોએ સ્થાપિત કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર હેઠળ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ આજે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભરૂચ ખાતે આવ્યા હતા ત્યારે તેઓનું ભાવિ સ્વાગત કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડ ખાતેથી કરાયેલા લોકાર્પણ કાર્યક્રમને લોકોએ માણ્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારી સરકાર અને મંત્રી મંડળ નવાં છે. અમારી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતા, પણ શીખવજો, અમે શીખીશું. અમારું મંત્રીમંડળ નવું છે, એટલે થોડો ઉત્સાહ પણ હોય, પણ મને વિશ્વાસ છે કે તમે લાફો નહીં મારો, અમને શીખવશો અને અમે શીખીશું. અમારી શરૂઆત છે. અમારા પહેલાંના મિત્રોએ એક લેવલ સુધી ગુજરાતને પહોંચાડ્યું એની વાહાવાહી છે, સાથે જ નર્મદા જિલ્લામાં શરૂ થયેલા નોધારાનો આધાર હેઠળ ભિક્ષુકોને પણ આત્મસન્માન સાથે જીવવાના સરકારના પ્રોજેકટને રાજ્યના તમામ જિલ્લામાં આગામી સમયમાં અમલી બનાવવાની માહિતી તેમણે આપી હતી.

કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું. જે ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે તેવાં ગામોના સરપંચનું સન્માન અને અંકલેશ્વર રેવન્યુ ક્વાર્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપદંડક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, અંકેલશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા , જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઇન્ચાર્જ કલેકટર યોગેશ ચૌધરી, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...