ભરૂચ શહેરના મધ્યમાં ઐતિહાસિક રતન તળાવ આવેલું છે, જે તળાવમાં અલભ્ય શિડ્યુલ વનમાં આવતા કાચબાઓનું આશ્રય સ્થાન છે. છેલ્લા ઘણા સમયથી આ તળાવના બ્યુટીફીકેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 12 કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે 4થી 5 કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાન સુરેશ વસાવાએ આક્ષેપ કર્યો છે. સાથે સાથે તળાવમાં દિન પ્રતિદિન ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે. તો આજે મંગળવારના રોજ ઐતિહાસિક તળાવની મુલાકાત લેનારા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને વિપક્ષી સભ્યોએ રતન તળાવનો વિકાસ થવો જોઈએ એટલો થયો નહીં હોવાનો સુર પુરાવ્યો હતો.
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને વિપક્ષી સભ્યોએ તળાવના બ્યુટીફીકેશન માટે રૂપિયા 3થી ચાર કરોડનો ખર્ચ કરાયો, તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત માતરિયા સહિતના અન્ય તળાવોનો જે રીતે વિકાસ કરાયો છે તે રીતે આ તળાવનો પણ વિકાસ કરવાની માંગ કરી છે. આ સિવાય તેમણે તળાવની ફરતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવા પણ માંગણી કરી છે. તો બીજી તરફ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા હોવાનું કહી વખોડી કાઢી ભવિષ્યમાં રતન તળાવને સુંદર બનાવવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.