• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • One Class Still Running In The Dilapidated 93 year old Building Of Kantharia Girls' School, Parents Demand Construction Of New Building

વિદ્યાર્થિનીઓના માથે તોળાતું જોખમ:કંથારીયાની કન્યાશાળાની 93 વર્ષ જૂની જર્જરીત ઈમારતમાં હજી પણ એક વર્ગ ચાલુ, નવી બિલ્ડીંગ બનાવવા વાલીઓની માંગ

ભરૂચએક મહિનો પહેલા
  • સંકુલમાં આવેલી અન્ય ઈમારતમાં તમામ વર્ગો ખસેડાયા
  • જગ્યાના અભાવે હજી પણ એક વર્ગ જૂની ઇમારતમાં ચાલુ

ભરૂચના કંથારીયા ગામની કન્યા શાળાની ઇમારત 93 વર્ષ જૂની ઈમારત જર્જરીત બની છે. શાળાના તમામ વર્ગોને સંકુલની બીજી ઈમારતમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ જગ્યાનો અભાવ હોવાથી આ જોખમી બિલ્ડીંગમાં હજુ પણ એક વર્ગ ચાલે છે. જેના પગલે આ ઈમારતમાં અભ્યાસ કરતી કન્યાઓના જીવ જોખમમાં મુકાતાં આ જૂની બિલ્ડિંગના સ્થાને નવી બિલ્ડિંગ બનાવવા વાલીઓ સહિત ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

હાલમાં વિધાનસભા સત્રમાં જ ભરૂચ જિલ્લામાં આવેલી જર્જરિત શાળા અને ઓરડા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. સરકારે આવી જોખમી સરકારી શાળાનું નવીનીકરણ અને રીનોવેશન તત્કાલિક અસરથી હાથ ધરવાની માહિતી પણ ગૃહને આપી હતી. કોરોનાની વિદાય બાદ શાળાઓમાં શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. જો કે જિલ્લામાં વર્ષો જૂની કેટલીક એવી સરકારી શાળાઓ છે જે નવીનીકરણ ઝંખી રહી છે.

કંથારીયાની કન્યાશાળાની સ્થાપના વર્ષ 1929માં થઇ હતી. શાળામાં ધોરણ 1થી 8ના વર્ગો ચાલે છે. જો કે 93 વર્ષ જૂની ઇમારત ખંડેર અવસ્થામાં આવી જતાં હાલ સંકુલમાં આવેલી અન્ય ઈમારતમાં તમામ વર્ગોને ખસેડવામાં આવ્યા છે. જો કે જગ્યાના અભાવે હજી એક વર્ગ આ જર્જરિત જૂની ઇમારતમાં ચાલે છે. જેમાં કોઈ હોનારત સર્જાય તે પહેલા શાળાની નવી બિલ્ડીંગનું કાર્ય વહેલી તકે હાથ ધરાય તેમ ગ્રામજનો, વાલીઓ માંગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...