વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યા ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થયું હતું. આ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
વાલિયા તાલુકાના કોંઢ ગામના તળાવ ફળીયામાં રહેતો સુનિલ રાજુભાઇ વસાવા તેના મિત્ર સાથે બાઈક લઈ વાલિયા ખાતે આવ્યાં હતા. ત્યારે પરત ફરતી વખતે તેઓને અકસ્માત નડ્યો હતો. વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે કોઈપણ જાતના દિશા સૂચક બોર્ડ લગાવ્યાં વિના શેરડી ભરેલી ટ્રોલી પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સુનિલ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને 108 સેવાની મદદ વડે પ્રથમ વાલિયા અને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.