કરોડપતિ ઉમેદવારો વચ્ચે જામશે જંગ:વાગરા વર્ચસ્વની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર 7 કરોડ, તો ભાજપના ઉમેદવાર 16 કરોડના ધની

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગરા વિધાનસભાની બેઠક સમગ્ર ભરૂચ જિલ્લામાં સૌથી હોટ ફેવરિટ સાથે સૌથી માલદાર ઉમેદવારોની બની રહી છે. ભાજપના બે ટર્મથી ધારાસભ્ય અરૂણસિંહ રણા અને કોંગ્રેસના સુલેમાન પટેલ વચ્ચે ગળાકાપ હરીફાઈ યોજાશે.

ભાજપના ઉમેદવારની સહકાર, રાજકારણ, ખેતી, ડેરી તમામ ક્ષેત્રે ટંકશાળ
બે ટર્મથી વાગરાના ધારાસભ્ય એવા અરૂણસિંહ રણાને આ વખતે ત્રીજી ટર્મમાં પણ ભાજપે ટિકિટ આપી છે. તેઓ 64 વર્ષના ધોરણ 10 ભણેલા છે. તેઓ અને તેમની પત્ની ખેતી, સહકાર, હોટલ, ડેરી ફાર્મ, હોટલ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ પોતે ₹17.91 લાખ જ્યારે પત્નીનું 4.95 લાખ રીટર્ન ભરે છે. જંગમ મિલકતમાં રોકડા સંયુક્ત 15.55 લાખ, 32.40 લાખની થાપણો, 94 તોલા સોનું અને બીજા પાસેથી લેણી નીકળતી 60 લાખની રકમ મળી કુલ રૂપિયા 1.95 કરોડની જંગમ મિલકતો છે. વાહનોમાં ક્રેટા, ટેમ્પો, ટ્રેક્ટર, બે ઇકો અને ખેતીના સાધનો દર્શાવાયા છે.

સ્થાવર મિલકત 10.39 કરોડ અને પત્નીની 23.42 કરોડ
સ્થાવર મિલકતમાં તેમના નામે 2.25 કરોડ અને પત્નીના નામે 1.95 કરોડની જમીન છે. 1.76 લાખ ચોરસ ફૂટ બિન ખેતીની જમીન આવેલી છે. કુલ સ્થાવર મિલકત તેમની 10.39 કરોડ અને પત્નીની 23.42 કરોડ બતાવી છે. જ્યારે દેવું તેમનું 37.83 અને પત્નીનું 23.42 લાખ બેંક લોન તરીકે સોંગદનામાં દર્શાવ્યું છે.

કોંગ્રેસના ઉમેદવારે 4.87 લાખનું રીટર્ન ભર્યું
કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ પદ, પ્રતિષ્ઠા અને પ્રોપર્ટીના મામલામાં ભાજપના ઉમેદવારથી સહેજ પણ કમ નથી. તેઓ પણ ધોરણ 10 પાસ છે અને ખેતી તેમજ વેપાર કરે છે. આ વર્ષે તેમને 4.87 લાખનું રીટર્ન ભર્યું છે.

બેથી ત્રણ ગામોમાં 29 સ્થળોએ જમીન
તેમની પત્ની પાસે 30 તોલા સોનું છે. જંગમ મિલકત 24.23 લાખની છે. જ્યારે સ્થાવર મિલકતમાં તેમના અને પત્નીના નામે 20 મકાનો, 8 વાણિજ્ય મિલકત, ખેતીની અલગ અલગ સર્વે નંબરની બેથી ત્રણ ગામોમાં 29 સ્થળોએ જમીન આવેલી છે. કુલ તેઓની મિલકત 6.92 કરોડ જેટલી થાય છે.

આપના ઉમેદવાર પણ ખેડૂત અને ટ્રાન્સપોર્ટર
આપના વાગરાના ઉમેદવાર 41 વર્ષીય જ્યેન્દ્રસિંહ રાજ ધોરણ 12 પાસ અને ખેડૂત છે. તેમની પાસે ટ્રક અને ટુ વ્હીલર છે. કુલ 14 તોલા સોનું મળી જંગમ અને સ્થાવર મિલકત 30 લાખની છે.

માછી સમાજના પ્રમુખ માછીમારો માટે ચૂંટણીના મેદાનમાં
વાગરા બેઠક પરથી અપક્ષ તરીકે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. તેઓ સરકારથી ભાડભુત બેરેજને લઈ નારાજ છે. તેમની ઉંમર 43 વર્ષ છે. રીટર્ન 4.91 લાખનું ભર્યું છે. 13 તોલા સોનું છે. જંગમ મિલકતો 22.12 લાખની અને સ્થાવર મિલકત 21.62 લાખની છે. જેમના પત્ની મત્સ્ય વેચાણનો વ્યવસાય કરે છે. તેઓએ બી.કોમ. LLBનો અભ્યાસ કરેલો છે.

અન્ય સમાચારો પણ છે...