ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા. જેના પગલે એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર દ્વારા આગામી 25 મેથી બ્રિજ પર તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયો નથી, ત્યાં રૂ. 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણૅશ મોદીને રજુઆત કરી હતી.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા તે સમસ્યાનું સુખદ નિવારણ આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી 25 મેથી નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિજની બંન્ને તરફ ભારે વાહનો ન પ્રવેશે તે માટે એન્ગલો પણ લગાડવામાં આવશે.
ત્યારે એસટી તંત્રે સરકાર અને તંત્રને અપીલ કરી છે કે, સરકારી ઇંધણ, ટોલ ટેક્સ, મુસાફરોનો સમય બચે તે માટે એસટી બસોને બ્રિજ પરથી અવર જવરની પરવાનગી કાર્યરત રખાય. બીજી તરફ સાંજે પીક અવર્સમાં ભરૂચમાં નર્મદા ચોકડી, એબીસી ચોકડી, કોલેજ રોડ, અંકલેશ્વરમાં મહાવીર ટર્નીગ, વાલિયા અને પ્રતિન ચોકડી ઉપર ટ્રાફિકજામ સર્જાતો હતો. જેનું મૂળ કારણ ખાનગી ભારે વાહનો નર્મદા બ્રિજ પરથી પસાર થવાનો આગ્રહ રાખતા હોવાનું હતું.
બ્રિજના બંને છેડે એન્ગલો લગાવાશે
ST બસોને પણ પાબંદી લગાવવાની હિલચાલ ચાલી રહી છે. કારણ કે બ્રિજના બન્ને છેડે એન્ગલો લગાવાશે. જેથી ભારે વાહનો પસાર થઈ શકે નહીં. પીક અવર્સમાં લકઝરી બસો, ટ્રકોના કારણે એબીસી, પ્રતિન, વાલિયા ચોકડી અને મહાવીર ટર્નીગ ઉપર સર્જાતી હતી ટ્રાફિકની સમસ્યા સાથે સર્જાતા અકસ્માતોને લઈ આ નિર્ણય લેવાયો છે. જોકે એસ.ટી. વિભાગે મુસાફરોના હિતમાં સરકારી બસોને છૂટ આપવા રજુઆત કરી છે.
બ્રિજની સંભાળની જવાબદારી કોન્ટ્રાક્ટરની
હાલમાં આ બ્રિજ પરથી રોજ 12 હજારથી વધુ વાહનો પસાર થઈ રહ્યાં છે. નર્મદા મૈયા બ્રિજ જાળવણી અને તેની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સરકારે બ્રિજના કોન્ટ્રાક્ટર રણજિત બિલ્ડકોનને તેની સાફ-સફાઈ માટે બી.આર.ઈન્ફ્રા કન્સલ્ટન્સી નામની એજન્સીને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.5 કિમિ લંબાઈ ધરાવતા બ્રિજ પર સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 07 માણસો અને 01 સુપરવાઈઝર કામગીરી કરે છે. તેમના દ્વારા પુલની સફાઈ અને જાળવણી (રસ્તાની સફાઈ, છોડને પાણી આપવું,ઘાસ કાપવું, તમામ પ્રકારના કચરાની સફાઈ કરવાની કામગીરી કરે છે.
ટોલટેક્ષથી બચવા આ રૂટનો ઉપયોગ થતો
હાઈવે ઉપર મુલદ પાસેનો ટોલટેક્ષ બચાવવા માટે ખાનગી વાહન ચાલકો નર્મદા મૈયા બ્રિજના રૂટનો ઉપયોગ કરતા હતા. રૂપિયા 25થી 75 સુધીનો ટોલટેક્ષ બચાવવા વિવિધ કેટેગરીના વાહનો આ રૂટ ઉપરતી પસાર થતા હતા. જેના કારણે રાજ્ય સરકારને મહિને કરોડોની ખોટ જતી હતી. જ્યારે એસટી નિમગને ટોલમાંથી મુક્તિ માટે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવા છૂટ આપી હતી. તેની સાથે પ્રથમ રાત્રે ખાનગી વાહનો પસાર થતા હતા. બાદમાં દિવસે પણ દોડવા લાગતાં અનેક અકસ્માતો સર્જાયા હતા. જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.